જામનગર શહેરના નાગનાથ ગેટ વિસ્તારમાં ધમધમતી અને લોકપ્રિય સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ્સમાંથી થોડા દિવસો પહેલા એક ગ્રાહકે ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. ગ્રાહક આ પેકેટ પોતાના ઘરે લઈ ગયા હતા અને પરિવારજનોએ ઉત્સાહથી ખાવાનું શરૂ પણ કરી દીધું હતું. જોકે, અડધું પેકેટ ખાધા બાદ પેકિંગની અંદર નજરે પડેલા દ્રશ્યો જોઈને આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો કારણ કે ચવાણાની સાથે એક તળાયેલી મૃત ગરોળી પણ અંદર ભળેલી હતી. આટલી મોટી લાપરવાહી જોઈને ગ્રાહકના હોશ ઉડી ગયા હતા અને તેમણે તુરંત જ આ મામલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કરીને રૂબરૂ ગંભીર ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતાની સાથે જ જામનગર મનપાની ફૂડ શાખાના મુખ્ય અધિકારી નિલેશ પી. જાસીલીયા અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફૂડ અધિકારીઓએ દુકાન તેમજ અંદર આવેલા ફરસાણ બનાવવાના રસોડામાં સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હલકી કક્ષાનું અને ખરાબ તેલ પણ મળી આવ્યું હતું, જેના નમૂનારી લેવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે રસોડાની બારીઓ ખુલ્લી રાખવામાં આવતી હતી જેના કારણે ગરોળી કે અન્ય જીવજંતુઓ સરળતાથી અંદર પ્રવેશી શકે તેમ હતા. આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈને અધિકારીઓએ વેપારીને તાત્કાલિક તમામ બારીઓ પર જાળી લગાવવા સહિતના જરૂરી સ્વચ્છતાના સુધારાઓ કરવા કડક આદેશ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગત ૧૩ ઓક્ટોબરના રોજ પણ આ જ પેઢીની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ રૂા. ૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. તેમ છતાં સંચાલકો દ્વારા કોઈ જ સુધારો કરવામાં ન આવતા આ વખતે તંત્ર દ્વારા વધુ આક્રમક રૂખ અપનાવવામાં આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરતી આ બાબતને ગંભીરતાથી લઈને ફૂડ શાખાએ સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ્સની પેઢીને હાલ પૂરતી આગામી ત્રણ દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરાવી દીધી છે. દુકાનદારે તમામ કાનૂની અને સ્વચ્છતા સંબંધી સુધારાઓ પૂર્ણ કર્યા બાદ ફૂડ શાખાની વિશેષ મંજૂરી મેળવ્યા પછી જ હવે દુકાન પુનઃ શરૂ કરી શકાશે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
