JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર સમક્ષ રસ્તા, દબાણ અને વીજળીના પ્રશ્નોનો થયો ધમધમાટ

જામનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર સમક્ષ રસ્તા, દબાણ અને વીજળીના પ્રશ્નોનો થયો ધમધમાટ
જામનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા દબાણ, રસ્તા અને વીજળી સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટર પી.બી. પંડ્યાએ તમામ અરજીઓ ગંભીરતાથી સાંભળીને નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક નિકાલ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ’જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવેલા નાગરિકોએ પોતાની અંગત તેમજ સાર્વજનિક સમસ્યાઓ રજૂ કરી હતી. કલેક્ટરશ્રીએ દરેક નાગરિકની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળીને સંવેદનશીલ અભિગમ દાખવ્યો હતો અને મોટાભાગના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવા માટે હકારાત્મક પહેલ કરી હતી. પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક દરમિયાન નાગરિકો દ્વારા વિવિધ માળખાકીય અને જમીન સંબંધી ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે જર્જરિત ઇમારતો દૂર કરવી, સૌની યોજનાની પાઇપલાઇનમાં પાણીનો વાલ્વ મૂકવો, જૂના માર્ગોને ડામર રોડમાં ફેરવવા, ખુલ્લી અને ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવું તેમજ રોડ પર સ્પીડબ્રેકર અને રેલિંગની ઊંચાઈ ઘટાડવા અંગે રજૂઆતો થઈ હતી. આ ઉપરાંત ગૌચરની જમીનનાં દબાણો દૂર કરવા, સરકારી ખરાબામાંથી જમીન પરત ગૌચર હસ્તે કરવી, કૂવા માટે જમીન ફાળવણી, નદીના પુલનું રિપેરિંગ, પ્રોટેક્શન વોલનું નિર્માણ અને કુદરતી પાણીના વહેણને ખુલ્લા કરવા જેવા અગત્યના મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે સામાન્ય માનવીના પ્રશ્નોનો પારદર્શક અને ઝડપી નિકાલ થાય તે આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી અરજદારોને સીધો ન્યાય અને રાહત મળતી હોવાથી તમામ સરકારી કચેરીઓએ પરસ્પર સંકલન સાધીને કામ કરવું અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ઇ.પોલીસ અધિક્ષક સુશ્રી પ્રતિભા, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિમલ ચૌધરી તેમજ વિવિધ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને ચર્ચામાં સહભાગી બન્યા હતા.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES