JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પરના બ્રિજ નિર્માણની કામગીરીને વેગ મળ્યો

જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પરના બ્રિજ નિર્માણની કામગીરીને વેગ મળ્યો
જામનગરમાં ચાર મહિનાથી બંધ રહેલા રંગમતી નદીના બ્રિજ પ્રોજેક્ટનું કામ તંત્રની કડકાઈ બાદ ફરી શરૂ થયું છે. પાયાના લોડ ટેસ્ટિંગ બાદ હવે બીજા તબક્કામાં પિલર ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

જામનગર શહેરને કાલાવડ અને જૂનાગઢ સાથે જોડતો વર્ષ ૧૯૭૮માં નિર્મિત રંગમતી નદી પરનો જૂનો બ્રિજ અત્યંત જર્જરિત થઈ ગયો હોવાથી ગત મે માસથી તેને તોડીને નવો ફોર-લેન બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, ગત જુલાઈ માસથી કોન્ટ્રાક્ટર દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું કામ અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગંભીર મુદ્દો મ્યુનિસિપલ જનરલ બોર્ડમાં વોર્ડ નંબર ૧૧ના ભાજપના કોર્પોરેટર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જેને વોર્ડ નંબર ૧૨ના વિપક્ષી સભ્યોએ પણ ટેકો આપીને તંત્રનું ધ્યાન દોર્યું હતું.

લોકોની સમસ્યા અને બોર્ડમાં થયેલી રજૂઆતોને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાએ તાત્કાલિક અસરથી સંબંધી એજન્સીને રૂબરૂ બોલાવીને કામગીરી વહેલી તકે શરૂ કરવા આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, કામમાં વિલંબ કરનાર કોન્ટ્રાક્ટર સામે બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તંત્રની આ લાલ આંખ અને કડક વલણની સીધી અસર જોવા મળી છે, જેના પરિણામે બંધ પડેલો આ પ્રોજેક્ટ હવે ફરીથી પૂરતી ઝડપથી ધમધમતો થયો છે અને નદીના પટમાં નિર્માણ કાર્ય આગળ વધી રહ્યું છે.

વર્તમાન તબક્કામાં નદીના પટમાં પિલર મૂકતા પહેલાં તેના ભરાયેલા પાયા એટલે કે પાઈલ પ્લેટફોર્મનું સચોટ લોડ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગનો રિપોર્ટ આવતાની સાથે જ અંદાજે ૧૫૦ મીટર લાંબા અને પાંચ ગાળા ધરાવતા આ બ્રિજના પિલરો ઊભા કરવાનું મુખ્ય ચરણ શરૂ કરી દેવામાં આવશે તેમ ઇજનેરો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અંદાજે રૂા. ૧૯.૪૮ કરોડના માતબર ખર્ચે તૈયાર થનારો આ ફોર-લેન બ્રિજ આગામી સમયમાં હજારો નાગરિકો માટે દૈનિક આવાગમન સરળ અને સુરક્ષિત બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES