રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે (NH-27) પર આવેલા ગ્રીનલેન્ડ ચોકડીથી વાંકાનેર બાઉન્ડ્રી સુધીના આશરે ૩૫ થી ૪૦ કિલોમીટરના મહત્વપૂર્ણ પટ્ટા પર આવેલા તમામ ઓવરબ્રિજ અને અન્ડરપાસની બંને બાજુના સર્વિસ રોડ અત્યંત વ્યસ્ત રહે છે. આ માર્ગ પર ડામરના રોડ હોવાને કારણે ભારે વાહનોની અવરજવરથી તે વારંવાર તૂટી જાય છે અને ચોમાસામાં તો તેની સ્થિતિ વધુ દયનીય બની જાય છે, જેના કારણે પ્રશાસનને વારંવાર મરામત પાછળ ખર્ચ કરવો પડે છે. આ કાયમી સમસ્યાના નિવારણ અર્થે કુવાડવા GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સોનવાણી અને સેક્રેટરી વિનોદભાઈ કાછડિયા દ્વારા માર્ગ અને મકાન વિભાગના સચિવ સમક્ષ આ સમગ્ર પટ્ટાના સર્વિસ રોડને ડામરને બદલે ટકાઉ સીસી (સિમેન્ટ કોંક્રિટ) રોડમાં રૂપાંતરિત કરવા સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.
આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અસંખ્ય ગામડાઓ અને ૩,૦૦૦ થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી અહીં ટ્રાફિકનું અસહ્ય ભારણ રહે છે. ગ્રીનલેન્ડ ચોકડીથી માલિયાસણ-તરઘડિયા અને સોખડા રોડથી નવા મેડિકલ પાર્ક GIDC ક્લસ્ટર સુધી ઓટોમોટિવ, સબમર્સિબલ પંપ, ફાઉન્ડ્રી, મશીન ટૂલ્સ અને CNC વર્કશોપ્સ જેવા અનેકવિધ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. અહીંથી પિગ આયર્ન, સ્ક્રેપ અને તૈયાર મશીનરી દેશ-વિદેશમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત, કુવાડવા GIDC, બામણબોર GIDC અને મોરબી સિરામિક ઝોન તરફ જતા ઓવરલોડેડ ટ્રકો તેમજ ૧૬ થી ૨૨ વ્હીલર વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી હાઈવે પર જામ કે ડાયવર્ઝન વખતે સર્વિસ રોડ પર અતિશય ભારણ વધી જાય છે.
આ પ્રસ્તાવિત સીસી રોડ અને ડ્રેનેજની સુવિધાથી આ વિસ્તારના હજારો ઉદ્યોગોને એક અત્યંત મજબૂત અને ટકાઉ માર્ગ મળી રહેશે, જેનાથી દૈનિક ધોરણે કંડલા, મુંદ્રા અને પીપાવાવ પોર્ટ તરફ જતા સેંકડો એક્સપોર્ટ કન્ટેનરોની આવાજાઈ સુરક્ષિત બનશે. આનાથી માત્ર ઔદ્યોગિક પરિવહન જ નહીં, પરંતુ રાજકોટ એરપોર્ટ તરફ જતા પ્રવાસીઓ અને આસપાસના ગ્રામજનોને પણ ઉત્તમ કનેક્ટિવિટીનો લાભ મળશે. રોડ મજબૂત બનવાથી રોજબરોજના ટ્રાફિક જામ, સમયના બગાડ તેમજ વાહનોને થતા નુકસાનમાંથી મોટી રાહત મળશે અને સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વધુ વેગ મળશે.
