JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી ૧૫૪ રેડ અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

જામનગરમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી ૧૫૪ રેડ અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલા અતિ-સંવેદનશીલ જામનગર જિલ્લામાં સુરક્ષાના કારણોસર ૧૫૪ ક્રિટીકલ ઇન્સ્ટોલેશન્સની આસપાસ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે આગામી ૨૪ જાન્યુઆરી ૨૦૨૭ સુધી અમલમાં રહેશે.

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક આવેલો હોવાથી વ્યૂહાત્મક દ્રષ્ટિએ અતિ-સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા અનેક લશ્કરી અને ઔદ્યોગિક એકમો આવેલા છે. આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે આ સખત પગલું ભરવામાં આવ્યું છે.

જિલ્લામાં આવેલા મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, આઈએનએસ વાલસુરા ઉપરાંત એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી, થર્મલ પાવર સ્ટેશન અને જી.એસ.એફ.સી. જેવા વિશાળકાય ઔદ્યોગિક એકમોને ધ્યાનમાં રાખીને કુલ ૧૫૪ જેટલા વિસ્તારોને ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ તમામ વ્યૂહાત્મક સ્થાનોને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાં ૧૧૨ રેડ ઝોન અને ૪૨ યલો ઝોનનો સમાવેશ થાય છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા અનુસાર જામનગર મહાનગરપાલિકા સહિત સમગ્ર જિલ્લાના આ સંવેદનશીલ વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES