જામનગર શહેરને કાલાવડ અને જૂનાગઢ સાથે જોડતો વર્ષ ૧૯૭૮માં નિર્મિત મૂળ રંગમતી નદીનો પુલ અત્યંત જર્જરિત થઈ ગયો હોવાથી, ગત મે માસથી તેને તોડીને નવો ફોર-લેન બ્રિજ બનાવવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, નવા પુલનું નિર્માણ કાર્ય શરૂ થયાના થોડા જ સમયમાં એટલે કે જુલાઈ માસથી કોન્ટ્રાક્ટર દ્વારા અગમ્ય કારણોસર કામ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે આસપાસના રહીશો અને વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો. ચાર મહિના સુધી કામ બંધ રહેવાનો આ ગંભીર મુદ્દો વોર્ડ નં. ૧૧ના ભાજપના કોર્પોરેટર દ્વારા મ્યુનિસિપલ જનરલ બોર્ડમાં સત્તાવાર રીતે ઉઠાવવામાં આવ્યો હતો, જેને વિપક્ષી સભ્યોએ પણ જોરદાર સમર્થન આપ્યું હતું.
લોકપ્રતિનિધિઓની આ રજૂઆતને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાએ તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવીને તે જ દિવસે સાંજે કામ કરતી એજન્સીને રૂબરૂ બોલાવી હતી. કમિશનરે એજન્સીને કામ ઝડપથી શરૂ કરવા માટે તાકીદ કરી હતી અને જો વિલંબ થશે તો બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલાં લેવાની ચીમકી પણ આપી હતી. તંત્રના આ લાલ આંખ અને સખત વલણને કારણે આખી ય મશીનરી હરકતમાં આવી ગઈ છે અને પ્રોજેક્ટને નવું જીવન મળ્યું છે. હાલ નદીના પટમાં પીલર મૂકતા પહેલાં ભરાયેલા પાયા એટલે કે પાઈલ પ્લેટફોર્મના લોડ ટેસ્ટિંગની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
સંબંધિત ઈજનેરોના જણાવ્યા અનુસાર, હાલમાં કરવામાં આવેલા લોડ ટેસ્ટિંગનો રિપોર્ટ ટૂંક સમયમાં જ આવી જશે, ત્યારબાદ બીજા ચરણની મુખ્ય કામગીરીનો પ્રારંભ થશે. આશરે રૂ. ૧૯.૪૮ કરોડના માતબર ખર્ચે તૈયાર થનારા આ દોઢસો મીટર લાંબા અને પાંચ ગાળાના ફોર-લેન બ્રિજની કામગીરી હવે પૂરજોશમાં આગળ વધી રહી છે, જેના કારણે નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટ પૂરો થવાની આશા બંધાઈ છે. આ નવો આધુનિક પુલ બની જવાથી હજારો દૈનિક મુસાફરો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે રાહત મળશે તેમજ જામનગરના ટ્રાફિક પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે.
