JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

VYO શ્રીનાથધામ હવેલી ખાતે પૂ. વ્રજરાજકુમાર મહોદયના 41મા જન્મોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટ મનોરથ અને અભિવાદન સમારોહ યોજાયો

VYO શ્રીનાથધામ હવેલી ખાતે પૂ. વ્રજરાજકુમાર મહોદયના 41મા જન્મોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટ મનોરથ અને અભિવાદન સમારોહ યોજાયો
વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમાર મહોદયના 41મા મંગલ જન્મોત્સવ નિમિત્તે રાજકોટ અને વડોદરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે VYO શ્રીનાથધામ હવેલી ખાતે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાયો હતો અને હજારો વૈષ્ણવોએ ઉપસ્થિત રહીને ગુરૂ પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કર્યો હતો.

રાજકોટની VYO શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમાર મહોદયના 41મા મંગલ જન્મદિવસની ઉજવણી અતિ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં કરવામાં આવી હતી. આ પવિત્ર અવસર પર શ્રી પ્રભુ સુખાર્થે એક ભવ્ય અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર 51 કિલો અન્ન (સખડી)ના વિનિયોગથી સખડીનું ભવ્ય અને ઊંચું શિખર તૈયાર કરવામાં આવ્યું હતું. આ સાથે જ 11 ડબ્બા ઘીમાંથી વિવિધ પ્રકારની દિવ્ય સામગ્રીઓ તૈયાર કરીને શ્રીજી ચરણોમાં ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને વૈષ્ણવો ધન્ય બન્યા હતા. અન્નકૂટ મહોત્સવ પૂર્ણ થયા બાદ આ ભવ્ય પ્રસાદ વૈષ્ણવો તેમજ જરૂરિયાતમંદ ગરીબોમાં પણ વિતરણ કરવામાં આવ્યો હતો.

જન્મોત્સવની આ શૃંખલા અંતર્ગત વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ સંકુલ ખાતે સનાતન વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી માર્કંડેય ઋષિનું પૂજન કરવામાં આવ્યું હતું. સનાતન સંસ્કૃતિમાં જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુષ્ય, ઉત્તમ આરોગ્ય અને મંગલમય જીવનની કામના સાથે માર્કંડેય પૂજનનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ મંગલ પ્રસંગે પૂ. ધ્રુમિલકુમાર મહારાજ, પૂ. યોગેશ્વર મહારાજ તેમજ વલ્લભકુલ પરિવારના અગત્યના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ, રાજકોટ ખાતે એક વિશાળ જાહેર અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવો તેમજ સર્વ સમાજના ધર્મપ્રેમી નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યુવા વૈષ્ણવાચાર્યનું ભાવભીનું અભિવાદન કર્યું હતું.

જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુની 18મી પેઢીના આ આગેવાન પૂ. વ્રજરાજકુમાર મહોદયએ નાની વયથી જ પુષ્ટિમાર્ગના વૈશ્વિક પ્રચાર-પ્રસાર, સનાતન સંસ્કૃતિનું સંવર્ધન, યુવા પેઢીનું આધ્યાત્મિક ઘડતર અને માનવ સેવાને પોતાના જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું છે. આજે વિશ્વના 18 દેશોમાં પુષ્ટિમાર્ગનો ધ્વજ લહેરાવવાની સાથે પાંચ લાખથી વધુ જીવાત્માઓને બ્રહ્મસંબંધ દીક્ષા આપનાર યુવા આચાર્યની લોકપ્રિયતા આ સમારોહમાં સ્પષ્ટ જોવા મળી હતી. રાજકોટ અને વડોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમો માત્ર જન્મદિનની ઉજવણી પૂરતા મર્યાદિત ન રહેતા ગુરૂ પ્રત્યેની ગાઢ શ્રદ્ધા, સામાજિક સમરસતા અને માનવસેવાની ભાવનાનો એક અદ્ભુત અને પ્રેરણાદાયી મહોત્સવ બની રહ્યા હતા.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES