દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા અને જામનગરના નાઘેડી ગામ વચ્ચેની એક વ્યક્તિને નિશાન બનાવીને હુમલો કરવાનું કાવતરું ઘડાયું હોવાની વિગતો બહાર આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં હુમલા માટે સોપારીના ભાવતાલ થઈ રહ્યા હોવાનું સ્પષ્ટપણે સાંભળવા મળે છે. આ કથિત ઓડિયોમાં ટાર્ગેટ કરાયેલ વ્યક્તિની રેકી કરવાથી લઈને તેના વાહનને રોકવા સુધીની યોજના પર ચર્ચા કરવામાં આવી છે. હુમલો કરવા માટે એવી જગ્યાની પસંદગી કરવાની વાત છે જ્યાં કોઈ કેમેરા ન હોય અને પબ્લિક ભેગી થઈને વીડિયો ન બનાવી શકે. આ ઉપરાંત, ગુનાને અંજામ આપવા માટે બિનવારસી અથવા કંડમ ગાડીનો ઉપયોગ કરવા જેવી વ્યુહરચના પણ ચર્ચાના કેન્દ્રમાં રહી છે, જેના કારણે સમગ્ર પંથકમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો વચ્ચે વ્યવસાયિક ડીલની જેમ બિન્દાસ ભાવતાલ થતા હોવાનું સામે આવ્યું છે. વાતચીત દરમિયાન સોપારી લેનાર વ્યક્તિ દસ માણસોને રોકવા અને ત્રણ મહિનાના ખર્ચની જરૂરિયાત રજૂ કરે છે. ત્યારબાદ સોપારીની કિંમત અંગેનો રકાસ શરૂ થાય છે જેમાં પેમેન્ટ રૂ. ૧ લાખથી શરૂ થઈને સામે છેડેથી 'મુંહ દિખાઈ' જેવો ટોણો મારવામાં આવ્યા બાદ આંકડો સીધો રૂ. ૧૦ લાખ અને ત્યાંથી વધીને રૂ. ૧૮ લાખ સુધી પહોંચી જાય છે. આ સોદાબાજીમાં ચા-પાણી અને રેકીના ખર્ચાઓ અગાઉથી જ ચૂકવી દેવાની ખાતરી પણ આપવામાં આવે છે. આટલું જ નહીં, સમગ્ર ષડયંત્રમાં પોલીસ તંત્રને પણ એક કોડવર્ડ 'મામા' તરીકે સંબોધવામાં આવ્યો હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, જે પોલીસ તંત્ર માટે પણ તપાસનો મોટો વિષય બની ગયો છે.
આ મામલો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગયો હોવા છતાં હજુ સુધી સત્તાવાર રીતે પોલીસ તંત્ર સુધી પહોંચ્યો નથી. સામાન્ય રીતે આવા ગંભીર ઓડિયો વાયરલ થયા બાદ પોલીસ સ્વયંભૂ કે સુઓમોટો (Suo Motu) નોટિસ લઈને તપાસ શરૂ કરતી હોય છે, ત્યારે આ પ્રકરણે પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. જો પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરશે તો જ ઓડિયોની સત્યતા બહાર આવશે અને અવાજ સાથે સંડોવાયેલા અસલી ચહેરાઓ તથા માફિયાઓ કાયદાના શિખંજામાં આવશે. હાલ તો આ ઓડિયો ક્લિપે જામનગર અને ભાટીયા વિસ્તારના નાગરિકોમાં ભારે ફફડાટની સાથે ચકચાર જગાવી દીધી છે.
