રાજકારણ અને સમાજસેવા ક્ષેત્રે અગ્રેસર રહેલા ભૂતપૂર્વ સાંસદ તથા સમર્પિત ખેડૂત નેતા શિવલાલભાઈ વેકરીયાનું ગત તારીખ 10 નવેમ્બર 2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય અને સામાજિક બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. તેઓ માત્ર એક રાજકીય નેતા જ નહોતા, પરંતુ એક ઉત્તમ કેળવણીકાર અને પ્રેરણાદાતા તરીકે પણ જાણીતા હતા, જેમણે સમાજના ઉત્થાન માટે આજીવન મહત્વનું યોગદાન આપ્યું હતું. ખેડૂતોના હકો માટે લડનાર અવાજ અને શિક્ષણના પ્રસારમાં અગ્રેસર રહેલા તેમના જવાથી સમાજને ક્યારેય ન ભરી શકાય તેવી ખોટ પડી છે.
શિવલાલભાઈ વેકરીયાના દિવ્ય આત્માની શાંતિ માટે વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આગામી શનિવાર, તારીખ 28 નવેમ્બર 2026ના રોજ સાંજે 4:00 કલાકે વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રદ્ધાંજલિ સમારોહ રાજકોટની એસ્ટ્રોન સોસાયટી સ્થિત ટોપલેન્ડ વિદ્યાભવન ખાતે આવેલા ‘ભારદાનવાળા કન્યા વિદ્યાભવન’માં યોજાશે. આ દુઃખદ ઘડીએ સદ્ગતને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેમના પરિવારજનો, સ્નેહીજનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે.
આ પ્રાર્થનાસભાના આયોજનમાં રાજ્યભરની અગ્રણી સંસ્થાઓ જોડાઈ છે, જેમાં શ્રી એ.પી. પટેલ કન્યા છાત્રાલય-રાજકોટ, શ્રી લેઉવા પટેલ બોર્ડિંગ-મવડી, એમ.જે. માલાણી કન્યા છાત્રાલય-ખામટા, સી.વી.એલ.ડી. કન્યા છાત્રાલય-આટકોટ સહિત અનેક છાત્રાલયો અને સેવા ટ્રસ્ટોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આર્ષ વિદ્યામંદિર મુંજકાના પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી વિશેષ ઉપસ્થિત રહી સ્વ. શિવલાલભાઈના ગુણોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને આગેવાનો પણ ઉપસ્થિત રહીને સદ્ગતને સ્મરણાંજલિ પાઠવશે.
