જામનગર શહેરમાં ચકચાર મચાવનાર લાંચ પ્રકરણમાં એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) ની કાર્યવાહી સતત આગળ વધી રહી છે. જામનગરની એક કંપનીનું બંધ થઈ ચૂકેલું ઇન્કમટેક્સ એસેસમેન્ટ ફરીથી ન ખોલવાના બદલામાં ૮ લાખ રૂપિયાની તોતિંગ લાંચ સ્વીકારતા અમદાવાદના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (AAO) વિનસકુમાર અમરચંદ સાવરીયાને એસીબીની ટીમે જામનગર-રાજકોટ હાઈવે પરથી રંગે હાથે ઝડપી લીધા હતા. આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોરબી એસીબીના પી.આઈ. ટી.એ. દેકાવડીયાએ આરોપીને અદાલતમાં રજૂ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા, જે દરમિયાન તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
રિમાન્ડની અવધિ દરમિયાન એસીબીની તપાસ ટીમ દ્વારા આરોપી અધિકારીના અમદાવાદ સ્થિત ભાડાના મકાનમાં પણ ખાસ ઝડતી લેવામાં આવી હતી અને તેમના નામના ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. જો કે, આ સઘન તપાસ દરમિયાન હાલ કોઈ ખાસ વાંધાજનક દસ્તાવેજ કે ચીજવસ્તુ મળી આવી નથી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરના વર્ષ ૨૦૨૪-૨૫ના રિટર્ન સંબંધિત તમામ ક્વેરીઓનું અગાઉથી જ નિરાકરણ આવી ગયું હતું, તેમ છતાં પણ માત્ર દબાણ ઊભુ કરીને આ ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી જેણે સમગ્ર કર વિભાગમાં હડકંપ મચાવી દીધો છે.
આરોપી વિનસકુમાર સાવરીયાના પરિવારજનો મૂળ રાજસ્થાન ખાતે રહેતા હોવાનું તપાસમાં ફલિત થયું છે. નિર્ધારિત બે દિવસના રિમાન્ડની મુદત પૂરી થતાં એસીબીની ટીમે આરોપીને ફરીથી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાંથી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી તેમને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને એસીબીની આ դ્રઢ કાર્યવાહીની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.
