કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન કોલકાતા શહેરને વૈશ્વિક કક્ષાની શહેરી સુવિધાઓથી સજ્જ કરવાની મોટી જાહેરાત કરી છે. પૂર્વા મેદિનીપુરના કોલાઘાટ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં તેમણે ૮,૭૦0 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને નવા શરૂ થનારા ૨૨ રાષ્ટ્રીય રાજમાર્ગ તથા રોડ પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, મુંબઈ અને દિલ્હીના વિકાસ બાદ હવે કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય કોલકાતાને આધુનિક બનાવવાનો અને પશ્ચિમ બંગાળમાં કનેક્ટિવિટીને વેગ આપવાનો છે.
આ યોજના અંતર્ગત કોલકાતામાં અંદાજે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૫૦ કિલોમીટર લાંબો વિશાળ રિંગ રોડ બનાવવામાં આવશે, જે શહેરના ટ્રાફિકની સમસ્યાને હળવી કરવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રોજેક્ટ થકી મુસાફરી વધુ સરળ બનશે તેમજ સમગ્ર શહેરમાં વાહનવ્યવહારની અવરજવર ખૂબ જ ઝડપી અને સુગમ બનશે. આધુનિક રસ્તાઓ, ફ્લાયઓવર્સ અને ઉત્તમ પરિવહન સુવિધાઓના નિર્માણ દ્વારા કોલકાતાને એક આધુનિક મહાનગર તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે, જેથી પ્રદેશના આર્થિક વિકાસને પણ નવું ઇંધણ મળી રહે.
વડાપ્રધાન મોદીના વિઝનને આગળ વધારતા ગડકરીએ પશ્ચિમ બંગાળ માટે વધારાના ૧ લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજની પણ જાહેરાત કરી હતી. હાલમાં રાજ્યમાં અંદાજે ૨ લાખ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યો પહેલેથી જ પ્રગતિ હેઠળ છે. ખડગપુર-મોગ્રામ ગ્રીનફિલ્ડ રોડ, ફરાક્કા ખાતેનો નવો પુલ અને કાનસાઈ નદી પરના બીજા પુલ જેવા મહત્વના પ્રોજેક્ટ્સ પણ આ આધુનિકીકરણની પહેલનો ભાગ છે. સ્થાનિક સ્તરે સહકાર મળવાથી પેન્ડિંગ રહેલા તમામ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થશે અને બંગાળના વિકાસનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે તેવો વિશ્વાસ નેતાઓએ વ્યક્ત કર્યો છે.
