જામનગર શહેરના લાલપુર બાયપાસથી સમાણા સુધીના ૩૨ કિલોમીટર લાંબા હાઇ-વેને ૧૦ મીટર પહોળો બનાવવા માટે વર્ષ ૨૦૨૪ના અંતમાં રૂ. ૯૬ કરોડના મસમોટા ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સરકારી વિભાગો વચ્ચેના સંકલનના અભાવ, વન વિભાગની મંજૂરી મેળવવાની લાંબી પ્રક્રિયા અને તંત્રની ભારે ઉદાસીનતાના કારણે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી માત્ર કાગળો પર જ સીમિત રહ્યો છે. પરિણામે, જામજોધપુરથી જામનગર આવતા આ ધોરીમાર્ગ પર પડેલા મોટા-મોટા ગાબડાઓને કારણે વાહનચાલકો અને ગ્રામજનો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ સમગ્ર વિલંબ પાછળ મહાનગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગ (પીડબલ્યુડી) વચ્ચેની સ્પષ્ટ નીતિનો પણ અભાવ જોવા મળ્યો છે. મનપાએ પોતાની હદમાં આવતા લાલપુર બાયપાસથી દડીયા સુધીના ૫ કિલોમીટરના રસ્તાનું નિર્માણ જાતે જ કરવાનું હોવાથી પીડબલ્યુડીને કામ કરવાની ના પાડી દીધી છે, પરંતુ હજુ સુધી આ રસ્તો ક્યારે બનશે તેની કોઈ ચોક્કસ રૂપરેખા સ્પષ્ટ નથી થઈ. બીજી તરફ, દડીયાથી સમાણા સુધીના ૨૬ કિલોમીટરના હસ્તાંતરિત પટ્ટા માટે રૂ. ૭૬ કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને વડોદરાની એક એજન્સીને કામ પણ સોંપવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં શરૂ થવાની આશા છે.
હાઇ-વેની આ લાલિયાવાડી વચ્ચે મહાનગરપાલિકાની હદમાં આવતા પાંચ કિલોમીટરના પટ્ટા પર માત્ર કામચલાઉ થીંગડા મારવાની જ કામગીરી કરવામાં આવી રહી છે, જે રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. આ માર્ગ પરથી પસાર થતા વાહનોના ટાયર અને સસ્પેન્શનને વ્યાપક નુકસાન પહોંચવાની સાથે રાત્રિના સમયે અકસ્માતનો ભય સતત તોળાયેલો રહે છે. જામજોધપુર પંથકના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓ માટે આ મુખ્ય સંપર્ક માર્ગ હોવાથી, વહેલી તકે તમામ વિભાગો સંકલન સાધીને ગુણવત્તાયુક્ત રસ્તો બનાવે તેવી ઉગ્ર લોકમાગ ઉઠી છે.
