વૈશ્વિક ફેશન રિટેલર્સ જેમ કે ઝારા અને એચએન્ડએમે નવેમ્બર મહિનાના પ્રથમાર્ધમાં બાંગ્લાદેશમાંથી તેમના માસિક ઓર્ડર્સનો લગભગ દસમો ભાગ અન્ય એશિયન મેન્યુફેક્ચરિંગ હબ્સ તરફ ખસેડ્યો છે. ફેક્ટરી માલિકોના જણાવ્યા અનુસાર, ૧ થી ૧૮ નવેમ્બર વચ્ચે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સે અંદાજે ૨૫૪ મિલિયન ડોલર (આશરે ૨૧૦૦ કરોડ રૂપિયા) ની કિંમતના ઓર્ડર્સ બાંગ્લાદેશથી ડાયવર્ટ કર્યા છે, જેમાંથી મોટાભાગનો જથ્થો આપણા પડોશી દેશ ભારતમાં ગયો છે. આ ફેરફાર બાંગ્લાદેશના અર્થતંત્રના મુખ્ય સ્તંભ સમાન ગારમેન્ટ ઉદ્યોગ માટે એક મોટો ઝટકો સાબિત થઈ રહ્યો છે અને તેની અસર વર્તમાન અશાંતિ બાદ પણ લાંબા સમય સુધી રહી શકે છે. દેશમાં સતત વધી રહેલા વેતનની માંગ, ઉર્જાની તંગી અને રાજકીય અનિશ્ચિતતાએ બાંગ્લાદેશની સસ્તી પ્રોડક્શનની ધારને નબળી પાડી છે, જેના કારણે વૈશ્વિક બ્રાન્ડ્સ હવે સુરક્ષિત વિકલ્પો શોધી રહી છે.
બાંગ્લાદેશ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન (BGMEA) ના અહેવાલ મુજબ, આ પ્રોટેસ્ટ અને અશાંતિના કારણે ઉદ્યોગને ૪૦૦ મિલિયન ડોલરથી વધુનું ઉત્પાદન નુકસાન થયું છે, જ્યારે દેશની કુલ નિકાસ આવકમાં આ ક્ષેત્રનો હિસ્સો ૮૦ ટકાથી વધુ છે. આ સ્થિતિમાં ભારત સપ્લાય ચેઈનનું સંચાલન કરવામાં સૌથી મોટો લાભાર્થી બનીને ઉભરી આવ્યો છે, જ્યારે અન્ય બ્રાન્ડ્સે વિયેતનામ, કંબોડિયા અને ઈન્ડોનેશિયા તરફ પણ નજર દોડાવી છે. તાજેતરમાં બાંગ્લાદેશ સરકારે ગાર્મેન્ટ કામદારોના લઘુત્તમ વેતનમાં ૩૬ ટકાનો વધારો મંજૂર કર્યો છે, પરંતુ આ વધારો કામદારોની માંગ કરતા ઘણો ઓછો હોવાથી ફરીથી પોલીસ સાથે ઘર્ષણ અને દેખાવો શરૂ થયા છે. બીજી તરફ, ઉત્પાદકોનું કહેવું છે કે આ વધારાથી તેમનો ખર્ચ વધુ વધી ગયો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદદારો નીચા ભાવની માંગ કરી રહ્યા છે.
ઉદ્યોગના નિષ્ણાતો અને ફેક્ટરી માલિકોની સૌથી મોટી ચિંતા એ છે કે હાલમાં ડાયવર્ટ થયેલા ઓર્ડર્સ કાયમી ધોરણે અન્ય દેશોમાં જઈ શકે છે, કારણ કે વૈશ્વિક ખરીદદારો હવે કિંમત કરતા ડિલિવરીના સમયને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. ભારત બાંગ્લાદેશની સરખામણીમાં ખરીદદારોને અંદાજે એક અઠવાડિયા વહેલી ડિલિવરી આપી શકે છે, જ્યારે વિયેતનામ અને કંબોડિયા ઉત્પાદન સમયમાં ૧૫ દિવસ સુધીનો ઘટાડો કરી શકે છે. બાંગ્લાદેશમાં વર્તમાન અશાંતિ અને રાજકીય તણાવના કારણે નવા ઓર્ડર્સ મળવાના બંધ થઈ ગયા છે અથવા તો રદ્દ થઈ રહ્યા છે. વૈશ્વિક બ્રાન્ડ્સ સમયસર ડિલિવરી માટે કોઈ જોખમ લેવા માંગતી નથી અને જો બાંગ્લાદેશમાં સ્થિતિ ઝડપથી સુધરશે નહીં, તો અસ્થાયી રૂપે ખસેવાયેલા આ ઓર્ડર્સ ક્યારેય પાછા નહીં ફરે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.
