પ્રખ્યાત કોમેડિયન અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર સમય રૈનાએ વિશ્વભરમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ગૂગલ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે સમય રૈના યુટ્યુબ ચેનલ પર ૧ મિલિયન (૧૦ લાખ)થી વધુ પેઇડ મેમ્બર્સનો આંકડો પાર કરનાર વિશ્વના પહેલા ક્રિએટર બની ગયા છે. આ ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે કે હવે દર્શકો માત્ર મફતમાં કન્ટેન્ટ જોવાના બદલે ડિજિટલ ક્રિએટર્સને આર્થિક રીતે ટેકો આપવામાં અને તેમની ઓનલાઇન કમ્યુનિટીમાં સક્રિયપણે જોડાવામાં વધુ રસ દાખવી રહ્યા છે.
સમય રૈનાએ તેમની અવિરત મહેનત અને તદ્દન અલગ શૈલીના કન્ટેન્ટથી આ મજબૂત ડિજિટલ સમુદાયનું નિર્માણ કર્યું છે. મોડી રાતની ચેસ લાઈવસ્ટ્રીમ્સથી લઈને સેલિબ્રિટી ફેસ-ઓફ અને તેમનો અત્યંત લોકપ્રિય ટાલેન્ટ શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' જેવા પ્રયોગોએ તેમને યુટ્યુબ પર અપાર સફળતા અપાવી છે. હાલમાં તેમની યુટ્યુબ ચેનલ પર ૧૨.૪ મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે અને ૯૬૯ વીડિયોઝ પર કુલ ૧.૫૩ અબજથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગૂગલના જણાવ્યા અનુસાર, સમય રૈનાએ વ્હાઇલ્ડ અનકન્વેન્શનલ (બિનપરંપરાગત) વિચારોને મસાલેદાર સાંસ્કૃતિક ક્ષણોમાં ફેરવીને પોતાની ચેનલને લાખો યુવાનો માટે એક અલ્ટીમેટ વર્ચ્યુઅલ હેંગઆઉટ બનાવી દીધી છે.
આ સીમાચિહ્ન માત્ર સમય રૈનાની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે ભારતીય ડિજિટલ ઇકોનોમીમાં આવેલા વ્યાપક બદલાવને પણ ઉજાગર કરે છે. યુટ્યુબના ડેટા મુજબ, માત્ર જૂન ૨૦૨૬માં જ ભારતમાં ૧.૨ મિલિયનથી વધુ દર્શકોએ ઓછામાં ઓછી એક ચેનલ મેમ્બર્સ ખરીદી હતી, જેના કારણે ભારતીય ક્રિએટર્સની આવકમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૫ ટકાથી વધુનો વધારો થયો છે. પેઇડ મેમ્બર્શીપના આ મોડેલથી મળતા આર્થિક ટેકાને કારણે હવે ક્રિએટર્સ મોટા પ્રોડક્શન હાઉસ જેવી ટીમો ઊભી કરી શકવા અને વધુ મહત્વાકાંક્ષી શો શરૂ કરવા સક્ષમ બની રહ્યા છે.
