વર્તમાન સમયમાં ચીન, દક્ષિણ કોરીયા અને જાપાન જેવા દેશો વૈશ્વિક જહાજ નિર્માણ (શિપબિલ્ડિંગ) બજારના લગભગ ૯૦ ટકા હિસ્સા પર નિયંત્રણ ધરાવે છે, જેમાં ચીન અગ્રેસર છે. આ વૈશ્વિક સ્પર્ધામાં ભારત હવે મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. સરકારી નીતિઓ, આર્થિક સહાય અને વધતા આંતરરાષ્ટ્રીય રસને કારણે ભારતીય જહાજ નિર્માણ ક્ષેત્રને મોટો વેગ મળ્યો છે. ભારત સરકાર દરિયાઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે 'મેરીટાઇમ ઈન્ડિયા વિઝન ૨૦૩૦' અને 'મેરીટાઇમ અમૃત કાળ વિઝન ૨૦૪૭' જેવા દીર્ઘદ્રષ્ટિ પત્રો પર કામ કરી રહી છે, જેનો મુખ્ય હેતુ દેશને વૈશ્વિક શિપબિલ્ડિંગ હબ બનાવવાનો છે.
આ મહત્વાકાંક્ષી યોજનાઓને સાકાર કરવા માટે સરકારે લગભગ ૬૯,૭૨૫ કરોડ રૂપિયાના વિશાળ પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજ અંતર્ગત નાણાકીય સહાય, દરિયાઈ વિકાસ ભંડોળ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને કાનૂની સુધારાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશના દરિયાકાંઠે પાંચ નવા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપવાની યોજના છે, જેનાથી અંદાજે ૧૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષાવાની અપેક્ષા છે. આ ઉપરાંત, દક્ષિણ કોરિયા, ઇટાલી અને યુરોપના ખ્યાતનામ શિપયાર્ડ ઓપરેટરો સાથે પણ સહયોગ માટે ચર્ચાઓ ચાલી રહી છે, જે ભારતીય દરિયાઈ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.
જો કે, ચીનના આક્રમક સબસિડી મોડેલ અને ઓછી ઉત્પાદન કિંમત સામે ટકવું ભારત માટે મોટો પડકાર છે. આ ઉપરાંત દેશમાં ઊંચા ધિરાણ દર અને વ્યાવસાયિક તાલીમની ખામી જેવી માળખાકીય મુશ્કેલીઓ પણ રહેલી છે. તેમ છતાં, ભારત પાસે વિશાળ દરિયાકાંઠો, કુશળ દરિયાઈ કાર્યભળ (સીફેરર્સ) અને મજબૂત ઘરેલુ માંગ જેવા અનન્ય ફાયદાઓ છે. સરકાર દ્વારા જહાજ ખરીદીની યોજનાઓ અને આધુનિક ટેકનોલોજી અપનાવવાથી માત્ર લાખો નવી રોજગારી જ નહીં સર્જાય, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની આર્થિક અને વ્યૂહાત્મક સુરક્ષા પણ વધુ સુદ્રઢ બનશે.
