અભિનેત્રી અનિતા અડવાણી અને દિવંગત બોલિવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્ના વચ્ચેનો કાનૂની વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે મોટો ઝટકો આપ્યો છે. જસ્ટિસ એમ એમ સુંદ્રેશ અને જસ્ટિસ પ્રસન્ન બી વરાલેની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના 1 એપ્રિલના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવતા કડક ટિપ્પણી કરી હતી કે આ કેસ માત્ર લક્ઝરી લિટિગેશન સમાન છે. જોકે, અડવાણીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ લડાઈ તેમના અસીલના સન્માન અને ગરિમાને સુરક્ષિત રાખવા માટેની છે, પરંતુ બેન્ચ આ દલીલોથી પ્રભાવિત થઈ નહોતી.
આ વિવાદની શરૂઆત વર્ષ 2012માં રાજેશ ખન્નાના નિધન પછી થઈ હતી. અનિતા અડવાણીનો દાવો હતો કે તે રાજેશ ખન્ના સાથે મુંબઈના પ્રખ્યાત આશિર્વાદ બંગલોમાં વર્ષો સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહી હતી. વર્ષ 2012માં રાજેશ ખન્નાના અવસાન પહેલાં ડિમ્પલ કાપડિયા, ટ્વિન્કલ ખન્ના અને અક્ષય કુમારની હસ્તક્ષેપ પછી તેને બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ અડવાણીએ કાનૂની લડાઈ શરૂ કરી હતી, જેની સિવિલ સૂટ અરજી વર્ષ 2017માં મુંબઈની સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી અને બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ તેની અપીલ ફગાવી હતી, જેને અંતે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.
આ કાનૂની જંગ માત્ર સંબંધોને માન્યતા આપવા પૂરતી સીમિત નહોતી, પરંતુ તેમાં ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. વર્ષ 2013માં અડવાણીએ ડિમ્પલ કાપડિયા, તેમના પરિવાર અને અક્ષય કુમાર સામે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવીને માસિક મેન્ટેનન્સ અને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં 3-બેડરૂમ ફ્લેટની માંગણી કરી હતી. જોકે, વર્ષ 2015માં બોમ્બે હાઈકોર્ટે તે ફરિયાદ રદ્દ કરી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આ સંબંધો કાયદાકીય રીતે લગ્ન જેવા સંબંધોમાં આવતા નથી અને જે પરિવાર સાથે તે ક્યારેય રહી નથી તેમને આ કેસમાં ઘસડી શકાય નહીં.
