JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

રાણપુર નજીક ઓખા-ભાવનગર ટ્રેન ઉથલાવવાનો કારસો નિષ્ફળ, કોર્ટે બે આરોપીઓને ફટકારી જન્મટીપની સજા

Oct 29, 2026 | 14:56 | By JAMNAGAR MIRROR
રાણપુર નજીક ઓખા-ભાવનગર ટ્રેન ઉથલાવવાનો કારસો નિષ્ફળ, કોર્ટે બે આરોપીઓને ફટકારી જન્મટીપની સજા
બોટાદ જિલ્લાના રાણપુર પાસે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકીને પેસેન્જર ટ્રેનને પલટી નાખવાના અને લૂંટના ગંભીર ગુનામાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવીને જન્મટીપની સજા ફટકારી છે.

તાજેતરમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી નજીક ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેનને પાટા પરથી ઉથલાવીને મોટી દુર્ઘટના સર્જવાના અને મુસાફરોને લૂંટવાના ખતરનાક ઇરાદાથી કરવામાં આવેલા ગુનામાં બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે એક મોટો અને નজিরરૂપ ચુકાદો આપ્યો છે. રેલવે ટ્રેક સાથે ગંભીર ચેડાં કરીને સેંકડો મુસાફરોના પ્રાણ જોખમમાં મૂકનારા આ કેસમાં અદાલતે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવતા આજીવન કેસની એટલે કે જન્મટીપની સજા ફટકારી છે. પોલીસની સઘન તપાસ, મજબૂત દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની કડક જુબાનીના આધારે કોર્ટે આ કડક કાર્યવાહી કરી છે.

ઘટનાની વિગતો મુજબ, તા. 25 સપ્ટેમ્બર, 2024ના રોજ ભાવનગર ડિવિઝનની ઓખા-ભાવનગર ટ્રેન નંબર 19210 ઓખાથી નીકળીને રાણપુર થઈને બોટાદ તરફ જઈ રહી હતી, ત્યારે કુંડલી અને બોટાદ વચ્ચે ટ્રેન અચાનક કોઈ ચીજવસ્તુ સાથે અથડાતા ઊભી રહી ગઈ હતી. ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડે નીચે ઉતરીને તપાસ કરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે કોઈએ રેલવે ટ્રેક પર ઇરાદાપૂર્વક લોખંડનો ટુકડો ગોઠવ્યો હતો અને સ્લીપર તથા બેલાસ્ટના ભાગમાં ખાડો કરીને પાટાને નુકસાન પહોંચાડ્યું હતું. આ ગંભીર બાબતે ભાવનગર ડિવિઝનના સિનિયર સેક્શન ઇજનેર હરકેશ મથુરલાલ મીણા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારબાદ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજાએ તપાસ હાથ ધરીને અણવ ગામના રમેશભાઈ ઉર્ફે રમુડીયો કાનજીભાઈ સલીયા અને જયેશભાઈ ઉર્ફે જયલો નાગરભાઈ બાવળીયાની ધરપકડ કરી હતી.

બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાએ ધારદાર દલીલો રજૂ કરી હતી અને કેસના સમર્થનમાં કુલ 55 દસ્તાવેજી પુરાવા તેમજ 15 જેટલા સાક્ષીઓની તપાસ કરાવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષસહાય જે. પરાશરે રેલવે જેવા લોકજીવન સાથે જોડાયેલા સુરક્ષા માધ્યમ પર હુમલો કરવાના આ ગંભીર ગુનામાં બંને આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. કોર્ટના આ કડક ચુકાદાથી રેલવે સુરક્ષા સાથે ચેડાં કરતા અસામાજિક તત્વોમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે.

LATEST ARTICLES