JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

દિવાળી પર વતન જતાં સુરતના રત્નકલાકારો માટે મોટી ભેટ, સુરતથી ભાવનગર દોડાવાશે 120 વધારાની ST બસો

Oct 29, 2026 | 14:55 | By JAMNAGAR MIRROR
દિવાળી પર વતન જતાં સુરતના રત્નકલાકારો માટે મોટી ભેટ, સુરતથી ભાવનગર દોડાવાશે 120 વધારાની ST બસો
દિવાળીના તહેવાર પર વતન જતા સુરતના રત્નકલાકારો માટે ભાવનગર ST વિભાગે મોટી રાહત આપી છે. મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરતથી ભાવનગર અને સૌરાષ્ટ્ર રૂટ પર 120 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી મુસાફરોને મોટી સરળતા રહેશે.

દિવાળીનો તહેવાર નજીક આવતા જ સુરતમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્નકલાકારો પોતાના વતન જવા માટે ઉત્સુક હોય છે. આ સમયે ટ્રેનો અને બસોમાં ભારે ભીડ થતી હોય છે અને કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બની જાય છે. આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાવનગર ST વિભાગ દ્વારા રત્નકલાકારો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ મુસાફરને વતન જવા માટે પરેશાની ન ભોગવવી પડે.

આ ખાસ વ્યવસ્થા અંતર્ગત આગામી 6 નવેમ્બરે સુરતથી ભાવનગર રૂટ પર 70 બસો અને 7 નવેમ્બરે વધુ 50 બસો દોડાવવામાં આવશે. આ તમામ વધારાની બસો માટે ST વિભાગ દ્વારા ઓનલાઈન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મુસાફરોની સગવડ માટે ભાવનગર અને બોટાદ ખાતે ખાસ રિઝર્વેશન કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાઈનોમાં ઊભા રહેધા વગર સરળતાથી ટિકિટ મળી શકે.

ST તંત્ર દ્વારા આ વખતે મુસાફરો માટે એકદમ અનોખી અને ખાસ સુવિધા પણ જાહેર કરવામાં આવી છે. જો 50 મુસાફરોનું કોઈ ગ્રુપ એકસાથે બુકિંગ કરાવશે, તો ST વિભાગ દ્વારા તે બસને સીધી તેમના ગામ અથવા સોસાયટી સુધી પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. તંત્રના આ પ્રજાલક્ષી નિર્ણયથી દિવાળીના પર્વ પર વતન જતા રત્નકલાકારોનો પ્રવાસ એકદમ આસાન અને આરામદાયક બની જશે.

LATEST ARTICLES