JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

જૂનાગઢમાં લીલી પરિક્રમાની તૈયારીઓ વચ્ચે તંત્ર સામે ઉઠ્યા સવાલો

Oct 29, 2026 | 14:56 | By JAMNAGAR MIRROR
જૂનાગઢમાં લીલી પરિક્રમાની તૈયારીઓ વચ્ચે તંત્ર સામે ઉઠ્યા સવાલો
આગામી ગિરનારની લીલી પરિક્રમાને લઈને વહીવટી તંત્ર અને સાધુ-સંતો વચ્ચે બેઠક મળી હતી, જેમાં પાયાની સુવિધાઓના અભાવે સંતોએ રોષ વ્યક્ત કર્યો હતો. કલેક્ટરે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને પ્લાસ્ટિક મુક્ત આયોજન પર ભાર મૂકતા સિનિયર સિટીઝનો અને બાળકોને પરિક્રમા ટાળવા અપીલ કરી છે.

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આગામી ગિરનારની લીલી પરિક્રમાના ભવ્ય આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં સાધુ-સંતો, ઉતારા મંડળ, મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેથી લાખો શ્રદ્ધાળુઓને સારી સુવિધાઓ મળી રહે. જોકે, બેઠક દરમિયાન દર વર્ષની જેમ આ વખતે પણ દામોદર કુંડમાં ગટરનું પાણી ભળવાની સમસ્યા અને પરિક્રમા રૂટ પર પૂરતી સુવિધાઓ ન મળવાને કારણે સંતો તથા આગેવાનોમાં મોટો આક્રોશ જોવા મળ્યો હતો. સંતોએ તંત્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે આઝાદીના 80 વર્ષ પછી પણ ગિરનારના રૂટ પર લાઈટ, રોડ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને માત્ર કાગળ પર જ વાતો થાય છે.

બેઠકમાં વિગતવાર ચર્ચા દરમિયાન દામોદર તીર્થક્ષેત્રમાં ગટરના દૂષિત પાણીની વિકટ પરિસ્થિતિ અને 1994 પછી ચેકડેમોની સફાઈ ન થયાનો મુદ્દો ગાજ્યો હતો, સાથે જ જો જલદી નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ વર્ષે ઓછા વરસાદને કારણે પાણીની અછત વર્તાઈ શકે તેમ હોવાથી ફોરેસ્ટ અને પાણી વિભાગને નવા બોર કરીને શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત કલેક્ટરે તડકો અને પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અતિ નાના બાળકો તેમજ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા સિનિયર સિટીઝનોને આ 35 કિલોમીટરની પરિક્રમામાં આવવાનું ટાળવા નમ્ર અપીલ કરી છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ જંગલ વિસ્તારમાં દર વર્ષે નવા બાંધકામને બદલે કાયમી સોલાર અને પાણીની સુવિધાવાળા ટેન્ટ જેવા સ્ટ્રક્ચર બનાવવાની સરકારી વિચારણા વિશે માહિતી આપી હતી.

વન્યજીવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જંગલના રૂટ પર વન વિભાગની ટીમો અને ટ્રેકર્સ સતત તૈનાત રહેશે જેથી માનવી અને વન્યજીવ વચ્ચે ઘર્ષણ ન થાય. શ્રદ્ધાળુઓએ માત્ર નિર્ધારિત રૂટ પર જાલવું અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું અનિવાર્ય છે. ગિરનાર અભ્યારણ્ય વિસ્તાર સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી તમામ શ્રદ્ધાળુઓ અને અન્નક્ષેત્ર સંચાલકોને પ્લાસ્ટિકની થેલીઓ કે વસ્તુઓ સાથે ન લાવવા કડક સૂચના આપવામાં આવી છે. ધાર્મિક પરંપરાની સાથે જંગલની પવિત્રતા અને પર્યાવરણ જળવાઈ રહે તે માટે પ્રશાસને સૌનો સહકાર માંગ્યો છે.

LATEST ARTICLES