દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજીનો વ્યાપ દિવસે-દિવસે વધી રહ્યો છે ત્યારે સાઉથ કોરિયાની જાણીતી કંપની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ માટે આ સમય સોનાની મુરત સાબિત થયો છે. ડેટા સેન્ટર્સ અને એઆઈ ટૂલ્સ માટે જરૂરી એડવાન્સ મેમરી ચીપ્સની ભારે અછત વચ્ચે સેમસંગે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જોરદાર કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. દુનિયાની સૌથી મોટી મેમરી ચીપ બનાવતી આ કંપનીએ એઆઈ સેક્ટરમાં મચેલા ધમસાણનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો છે, જોકે આટલી મોટી સફળતા છતાં માર્કેટમાં ઇન્વેસ્ટર્સનો મૂડ થોડો મિશ્ર રહ્યો હતો.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ પ્રોફિટ 107.4 ટ્રિલિયન વોન એટલે કે 80.5 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 780 ટકા કરતાં પણ વધુ છે. ટેકનોલોજી ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ કંપનીએ 100 ટ્રિલિયન વોનથી વધુનો ત્રિમાસિક ઓપરેટિંગ પ્રોફિટ નોંધાવ્યો હોય. આ સાથે જ નેટ પ્રોફિટમાં પણ 510 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને તે 75.1 ટ્રિલિયન વોન થયો છે, જ્યારે કુલ સેલ્સ 195.3 ટ્રિલિયન વોન સુધી પહોંચી ગયું છે. આમ છતાં, સેમસંગના શેરમાં ગુરુવારે સવારે 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો કારણ કે સેમિકન્ડક્ટર ડિવિઝનનું પ્રદર્શન માર્કેટની અપેક્ષાઓ કરતા થોડું ઓછું રહ્યું હતું.
આગામી સમય અંગે વાત કરતા સેમસંગના ચીફ ફાઇનાન્શિયલ ઓ theſeસર પાર્ક સૂન-ચોલે જણાવ્યું છે કે વર્ષ 2027 સુધીમાં મેમરીની ડિમાન્ડમાં અભૂતપૂર્વ ગ્રોથ જોવા મળશે. કંપનીએ પોતાના ઇન્વેસ્ટર્સને ખુશ કરવા માટે આ વર્ષે 30 ટ્રિલિયન વોનના કેશ ડિવિડન્ડ સહિત કુલ 110 ટ્રિલિયન વોન સુધીનું રિટર્ન આપવાની યોજના પણ બનાવી છે. નિષ્ણાતોના મતે, આટલો મોટો પ્રોફિટ હોવા છતાં ઇન્વેસ્ટર્સ હજુ પણ એ જાણવા માગે છે કે આ એઆઈ બૂમ લાંબો સમય ટકશે કે પછી આ કમાણીનું પીક લેવલ આવી ગયું છે. વધતી જતી માંગને કારણે સ્માર્ટફોન અને લેપટોપમાં વપરાતા સામાન્ય કમ્પોનન્ટ્સના ભાવ પણ વધી રહ્યા છે, ત્યારે આ ટેકનોલોજી ક્રાંતિ આગામી દિવસોમાં માર્કેટને કઈ દિશામાં લઈ જાય છે તે જોવું રસપ્રદ રહેશે.
