મોરબીના દિલધ્રુજાવનાર ઝૂલતો પુલ દૂર્ઘટના મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલી કાનૂની લડતમાં આરોપીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલને અગાઉ મળેલી અંતરિમ રાહતને હાઈકોર્ટે હાલ પૂરતી યથાવત રાખી છે. તાજેતરમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ન્યાયમૂર્તિએ ઓરલ ઓર્ડર આપીને આગામી 2 ફેબ્રુઆરી સુધી આ કેસની વધુ સુનાવણી મોકૂફ રાખી છે અને ત્યાં સુધી જયસુખ પટેલને રાહત આપતો આદેશ જારી કર્યો છે.
આ ગોઝારી દૂર્ઘટના 30 ઓક્ટોબર 2022 ના રોજ બની હતી, જ્યારે મોરબીનો જાણીતો ઝૂલતો પુલ અચાનક તૂટી પડવાથી 135 જેટલા નિર્દોષ નાગરિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ ગંભીર કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ, મેનેજર તેમજ ટિકિટ બારી ઓપરેટર અને સિક્યુરીટી ગાર્ડ સહિત કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી, જેઓ બાદમાં કાનૂની પ્રક્રિયા હેઠળ જામીન મુક્ત થયા હતા. આ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એમ કે ઠક્કર સમક્ષ સુનાવણી હાથ ધરીને નવી તારીખ 2 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
કોર્ટ દ્વારા આગામી 2 ફેબ્રુઆરી સુધી અંતરિમ રાહત ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવતા હાલ પૂરતી મોરબીની સ્થાનિક કોર્ટમાં આ કેસના આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા અટકી ગઈ છે. જ્યાં સુધી કોર્ટ દ્વારા ચાર્જ ફ્રેમ કરવામાં ન આવે ત્યાં સુધી ટ્રાયલ કે કેસની આગળની કાર્યવાહી ચાલુ થઈ શકે તેમ નથી, જેથી આ તારીખ સુધી તમામની નજર આગામી સુનાવણી પર ટકેલી છે.
