JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગર-રાજકોટ હાઈવે પર ગોડાઉનમાં ચાલતું દારૂનું કટીંગ પકડાયું, કરોડોનો મુદ્દામાલ જપ્ત

Oct 29, 2026 | 18:01 | By JAMNAGAR MIRROR
જામનગર-રાજકોટ હાઈવે પર ગોડાઉનમાં ચાલતું દારૂનું કટીંગ પકડાયું, કરોડોનો મુદ્દામાલ જપ્ત
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને ૧૯ હજારથી વધુ દારૂની બોટલો ઝડપી પાડી છે. આ મામલે એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને મહિલા નગરસેવકના પુત્ર સહિત અન્ય ૧૦ શખ્સોના નામ ખૂલતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જાંબુડા પાટીયા નજીક એક હોટલ પાછળના ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈરાત્રે મોટો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ ટીમને ગોડાઉનમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી શરાબ મળી આવ્યો હતો, જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય ડીવાયએસપી પીયુશ વાંદાને પણ તાત્કાલિક માહિતગાર કરવામાં આવ્યા હતા અને પોલીસ કાફલાએ સ્થળ પરથી જ એક ડ્રાઈવરની અટકાયત કરી લીધી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગોડાઉન જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૦ના ભાજપના મહિલા નગરસેવકના પુત્ર હિતેશ નરસીભાઈ બાંભણીયા ઉર્ફે વાંગાના કબજા અને ભોગવટા હેઠળ હતું. સ્થળ પરથી પકડાયેલા ત્રણ મીની ટ્રકમાંથી ૨૧૦૫ મોટી બોટલો અને ૧૭૪૧૭ ચપલા મળીને કુલ ૧૯૫૨૨ બોટલ શરાબ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂના આ જથ્થા સાથે ત્રણ વાહનો, મોબાઈલ અને શરાબ મળીને કુલ રૂ. ૫૩,૭૮,૫૧૭નો મસમોટો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે, જેમાં એકલા દારૂના જથ્થાની કિંમત રૂ. ૪૦,૬૮,૫૧૭ જેટલી થાય છે.

ઝડપાયેલા ડ્રાઈવર ધર્મેશ યાજ્ઞિકની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે આ કાળી કમાણીનો ભાંડો ફોડી નાખ્યો છે અને નગરસેવકના પુત્ર હિતેશ સહિત સુનિલ દોણાસીયા, સુનિલ બારૈયા, દિલીપ, મેરૂ રબારી, યોગેશ કોળી, રાહુલ રેસીયા, વીમલા ડોડારા, રોહિત કોળી અને જીગા સોલંકી સહિત કુલ ૧૦ શખ્સોના નામ આપ્યા છે. આ તમામ ૧૧ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પીએઆઈ આઈ.એ.ઘાસુરા અને તેમની ટીમે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

LATEST ARTICLES