દેશના ૪ રાજ્યોની ૨૮ એમએલસી બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામોએ રાજકીય પક્ષોનું ધ્યાન ખેંચ્યું છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ ભગવા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. વારાણસીમાં સમાજવાદી પાર્ટી અને નાગપુર સ્નાતક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે શાનદાર જીત નોંધાવતા ભાજપની રણનીતિ સામે સવાલો ઉભા થયા છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના હોમટાઉન નાગપુરમાં ભાજપની હારથી રાજકારણ ગરમાયું છે.
નાગપુર સ્નાતક મતવિસ્તારની બેઠક પર કોંગ્રેસના અભિજિત વણજારીએ ૬૭,૨૩૧ મતો મેળવીને ભાજપના સુધાકર કોહલેને ૩,૨૭૧ મતોથી હરાવ્યા છે. મંગળવારથી શરૂ થયેલી લાંબી મતગણતરી ગુરુવારે વહેલી સવારે પૂરી થઈ હતી, જેમાં બીજા ક્રમના મતોની ગણતરી બાદ પરિણામ નક્કી થયું હતું. બીજી તરફ ઉત્તર પ્રદેશની ૧૧ એમએલસી બેઠકોમાંથી ભાજપે ૬ અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ ૫ બેઠકો જીતી છે. વારાણસીમાં સપાના આશુતોષ સિંહાએ ભાજપના કેદારનાથ સિંહ સામે ૭,૧૯૫ મતની સરસાઈથી વિજય મેળવ્યો છે. ગોરખપુર-ફૈઝાબાદ બેઠક પર ધ્રુવ ત્રિપાઠીએ માત્ર ૩૦૭ મતથી રોમાંચક જીત મેળવી છે. આ ચૂંટણીમાં કર્ણાટક સિવાય અન્ય રાજ્યોમાં પણ ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી.
એકંદરે જોઈએ તો ઉત્તર પ્રદેશની ૧૧, બિહારની ૮, મહારાષ્ટ્રની ૫ અને કર્ણાટકની ૪ એમએલસી બેઠકો પર મતદાન થયું હતું. ચાર રાજ્યોની કુલ ૨૮ બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર ૧ જ બેઠક મળી છે, જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી અને ભાજપે ત્યાં ચારેય બેઠકો પર કબજો જમાવ્યો છે. મહારાષ્ટ્રમાં ૫ બેઠકોમાંથી ભાજપે ૨, એનસીપી (શરદ પવાર)એ ૨ અને શિવસેનાએ ૧ બેઠક મેળવી છે. જ્યારે બિહારની ૮ બેઠકોમાંથી ભાજપને ૪, આરજેડીને ૧, જનસુરાજ પાર્ટીને ૧ અને અન્યને ૨ બેઠક મળી છે. આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે.
