JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી ઝડપાયો દારૂનો મોટો જથ્થો

Oct 29, 2026 | 18:01 | By JAMNAGAR MIRROR
જામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી ઝડપાયો દારૂનો મોટો જથ્થો
જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની 19522 બોટલો કબ્જે કરી છે. ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 10 લોકો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાં ચાલતા વિદેશી દારૂના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જામનગર-રાજકોટ હાઈવે પર આવેલી માનસી હોટલ પાછળના એક ગોડાઉનમાં વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. આ મોટી રેડને કારણે સ્થાનિક રાજકારણથી લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસે સ્થળ પર કરેલી તલાશી દરમિયાન જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 19522 બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે રૂ. 5378517 જેટલી થવા જાય છે. દારૂના આ જથ્થા ઉપરાંત પોલીસે હેરફેરમાં વપરાતા અશોક લેલેન્ડ પીકઅપ અને ટાટા છોટા હાથી સહિત કુલ 3 વાહનો અને 1 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ધર્મેશભાઈ નવલભાઈ યાજ્ઞિક નામના એક વાહનચાલકની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં આ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણિયાનો પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા હોવાનું સામે આવ્યું છે.

આ પ્રકરણમાં મુખ્ય આરોપી હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયા ઉપરાંત સુનીલ ઉર્ફે ભૂતી ધનજીભાઈ દોણાસીયા, સુનીલ બારૈયા, દિલીપ, મેરૂ રામા રબારી, યોગેશ કોળી, રાહુલ રેશીયા, વીમલો ડોડારો, રોહિત કોળી અને જીગો સોલંકી સહિત કુલ 10 જેટલા શખ્સોને પોલીસે ફરાર જાહેર કર્યા છે. રાજકોટ રેન્જ આઇજી અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કડક સૂચનાના પગલે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસે તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધવાના પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.

LATEST ARTICLES