ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર-બેટર જોશ ઇંગ્લિસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગુરુવારે ન્યૂલેન્ડ્સ ખાતે સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 429 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ ઇનિંગમાં લગભગ 1 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહેલા જોશ ઇંગ્લિસે શાનદાર બેટિંગ કરતા પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સેન્ચ્યુરી ફટકારી હતી. આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ સોનેરી અક્ષરે લખાવી દીધું છે અને તે એક અનોખી સિદ્ધિ મેળવવામાં સફળ રહ્યો છે.
સાઉથ આફ્રિકાએ પોતાની પ્રથમ ઇનિંગમાં 329 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે જોશ ઇંગ્લિસનું પ્રદર્શન મેચનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. ઇંગ્લિસે 135 બોલમાં 11 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 102 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ઑફ-સ્પિનર સાયમન હાર્મેરના બોલ પર રિવર્સ સ્વીપ રમીને તેણે પોતાની સેન્ચ્યુરી પૂરી કરી હતી. ઇંગ્લિસ ઉપરાંત એલેક્સ કેરીએ પણ શાનદાર બેટિંગ કરતા 80 રનનું યોગદાન આપ્યું હતું. આ બંનેની શાનદાર બેટિંગના દમ પર ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે પ્રથમ ઇનિંગના આધારે મહત્ત્વપૂર્ણ 100 રનની લીડ મેળવી લીધી હતી અને ટીમનો સ્કોર 125.1 ઓવરમાં 429 રન સુધી પહોંચ્યો હતો.
આ રેકોર્ડ સાથે જોશ ઇંગ્લિસ હવે ટેસ્ટ, વનડે અને ટી-20 આ ત્રણેય ફોર્મેટમાં 2 કે તેથી વધુ સેન્ચ્યુરી ફટકારનાર ઓસ્ટ્રેલિયાનો પહેલો બેટર બની ગયો છે. તેના નામે હવે ટેસ્ટમાં 6 મેચમાં 286 રન, વનડેમાં 43 મેચમાં 1100 રન અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 49 મેચમાં 1033 રન નોંધાયેલા છે, જેમાં ત્રણેય ફોર્મેટમાં તેની બબ્બે સેન્ચ્યુરી સામે સામેલ છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચ જેવા ખેલાડીઓ પણ આ અદ્ભુત સિદ્ધિ સુધી પહોંચી શક્યા નથી. આ અગાઉ સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ દરમિયાન આંગળીમાં ઈજા થવાના કારણે તે બહાર થયો હતો, પરંતુ ફિટ થઈને ટેસ્ટ ટીમમાં શાનદાર વાપસી કરતા તેણે સાબિત કરી દીધું કે તે શા માટે આટલો ખતરનાક ખેલાડી છે.
