વૈશ્વિક સ્તરે યુરોપિયન દેશોના યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે ગેસની અછત તથા તેના ભાવમાં થયેલા તોતિંગ વધારાની સીધી અસર ભારતના ઉદ્યોગો અને સામાન્ય જનતા પર પડી રહી છે. દેશ તેની કુલ ગેસ જરૂરિયાતના આશરે ૮૦ ટકા ભાગ વિદેશથી આયાત કરતો હોવાથી, આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતા દેશના વાહનવ્યવહાર અને ઉદ્યોગ જગતને પ્રભાવિત કરે છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં સીએનજી ગેસની તીવ્ર અછત સર્જાતા અનેક ઉદ્યોગો ઠપ થઈ ગયા હતા અને હજારો કામદારોની રોજગારી જોખમાઈ હતી. આ ગંભીર સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવવા માટે હવે જિલ્લાએ સ્થાનિક સ્તરે જ ઊર્જા ઉત્પન્ન કરવાની દિશામાં ક્રાંતિકારી પહેલ કરી છે, જે આગામી સમયમાં સમગ્ર રાજ્ય માટે એક નવું મોડેલ બની રહેશે.
આ મહત્વાત્કાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત ધ્રાંગધ્રા ખાતે રૂપિયા ૪૫ કરોડના જંગી ખર્ચે એકસાથે ત્રણ બાયોગેસ પ્લાન્ટ ઊભા કરવાની કામગીરી આરંભવામાં આવી છે. સુરેન્દ્રનગર એક મુખ્ય ખેતીપ્રધાન જિલ્લો હોવાથી અહીં કપાસ, જીરું, વરિયાળી, એરંડા અને બાજરી જેવા પાકોના અંતે મોટા પ્રમાણમાં નકામો કચરો અને સાઠીઓ ઉત્પન્ન થાય છે, જેને ખેડૂતો અગાઉ પ્રદૂષણ ફેલાવીને બાળી નાખતા હતા. આ ઉપરાંત, સેંકડો હેક્ટરમાં ફેલાયેલા બાવળના વૃક્ષો જે ખેતી માટે નડતરરૂપ હતા, તેનો તેમજ પશુપાલન વ્યવસાયમાંથી નીકળતા અખૂટ પશુધન છાણ (ગોબર)નો ઉપયોગ હવે આ પ્લાન્ટમાં પ્રોસેસિંગ માટે કરવામાં આવશે. આ બાયોમાસમાંથી શુદ્ધ સીએનજી ગેસ બનાવવામાં આવશે, જે સીધો જ સિરામિક, કેમિકલ અને અન્ય સ્થાનિક ઉદ્યોગો તેમજ વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગમાં લઈ શકાશે.
આ પ્રોજેક્ટ માત્ર ઉર્જા ક્ષેત્રે જ નહીં, પરંતુ ગ્રામીણ અર્થતંત્ર અને પર્યાવરણ માટે પણ વરદાનરૂપ સાબિત થશે. પ્લાન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગેસ ઉપરાંત વધતો નકામો કચરો ઉત્તમ પ્રકારનું સેન્દ્રિય ખાતર બનશે, જે ખેડૂતોને અત્યંત સસ્તા ભાવે ઉપલબ્ધ થવાથી જમીનની ફળદ્રુપતા વધશે અને રાસાયણિક ખાતરો પરનું ભારણ ઘટશે. આજુબાજુના પાંચ જેટલા ગામોના યુવાનોને કચરો એકત્ર કરવા, પરિવહન અને પ્લાન્ટ સંચાલન જેવી પ્રવૃત્તિઓમાં સીધી અને આડકતરી રોજગારી સાંપડશે, જ્યારે ખેડૂતો અને પશુપાલકો પોતાના નકામા કચરા અને છાણનું વેચાણ કરીને વધારાની આવક રળી શકશે. આમ, આ નવતર અભિગમથી પ્રદૂષણ ઘટશે, સ્થાનિક સ્તરે સસ્તી ઊર્જા મળશે અને જિલ્લો ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભર બનશે.
