મોરબી જિલ્લાના મુખ્ય માર્ગો અને હાઇવે પર અવારનવાર બાઈક પર જોખમી સ્ટંટ કરતા યુવાનોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાં માળિયા તાલુકાના હાઇવે પર આવેલી એક હોટલના ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે એક યુવકે બેફામપણે બાઈક સવાર થઈને સ્ટંટ કર્યા હતા અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ સ્ટંટ કરનાર શખ્સે માત્ર પોતાની જ નહીં પરંતુ રોડ પર ચાલતા અન્ય નિર્દોષ વાહનચાલકોની સલામતી પણ જોખમમાં મુકી હતી, જે મામલો સોશિયલ મીડિયાના માધ્યમથી સ્થાનિક પોલીસના ધ્યાને આવ્યો હતો.
વીડિયો વાયરલ થયાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા એલસીબી (LCB) પોલીસની ટીમ હરકતમાં આવી હતી. એલસીબી પી.આઈ. એસ.પો.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સર્વે અને બાતમીના આધારે ત્વરિત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ જોખમી સ્ટંટ કરનાર શખ્સ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો રિયાઝ ફતેહમામદ ભટ્ટી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડીને કાયદાના કડક પાઠ ભણાવ્યા હતા અને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ગત 18 તારીખે માળિયામાં યોજાયેલા ઉર્ષના કાર્યક્રમ દરમિયાન તેણે આ જોખમી કરતબ કર્યા હતા.
પોલીસની કડક પૂછપરછ અને સમયસરની કાર્યવાહીથી સ્ટંટબાજ યુવકની હોશિયારી હવા થઈ ગઈ હતી. કાયદાનો સપાટો જોતા યુવકને પોતાની ગંભીર ભૂલ સમજાઈ હતી અને તેણે ભવિષ્યમાં ક્યારેય આવા જોખમી સ્ટંટ નહીં કરવાની ખાતરી આપી હતી. પોલીસે આ યુવકનો માફી માંગતો એક વિડિયો બનાવી પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર અપલોડ કર્યો છે, જેમાં તે બે હાથ જોડીને પ્રજા અને પોલીસ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી રહ્યો છે. પોલીસની આ લાલ આંખથી સોશિયલ મીડિયામાં લાઈક્સ મેળવવા માટે સ્ટંટ કરતા યુવકોમાં મોટો ફફડાટ ફેલાયો છે.
