ગાંધીનગર ખાતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 'ડિજિટલ ગુજરાત'ના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી એક અત્યાધુનિક વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. મૂલ્યાંકન નિયામકની કચેરી દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના ટેકનિકલ સહયોગથી તૈયાર કરાયેલા આ 'Transforming Survey Ecosystem Web Portal' મારફતે હવે આગામી તમામ સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસો સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ સિસ્ટમ અમલમાં આવવાથી સરકારી કામકાજમાં કાગળનો વપરાશ ઘટશે તેમજ સમગ્ર પ્રક્રિયા અત્યંત ઝડપી અને સરળ બનશે.
આ ઓનલાઇન વ્યવસ્થા અંતર્ગત સચિવાલયના તમામ વિભાગોના સંયુક્ત સચિવો અને નાયબ સચિવોને વિશેષ યુઝર આઈડી અને પાસવર્ડ ફાળવવામાં આવ્યા છે. અધિકારીઓ પોતાના વિભાગની યોજનાઓના મૂલ્યાંકન માટે જરૂરી પરિપત્રો અને ચેકલિસ્ટ સાથેની દરખાસ્ત ઓનલાઇન જ સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગને મોકલી શકશે. ત્યારબાદ દરખાસ્તની સચોટ ચકાસણી કરીને તેને મૂલ્યાંકન નિયામકની કચેરી તરફ આગળ વધારવામાં આવશે, જ્યાંથી સ્ટડી ડિઝાઇન, મેથોડોલોજી અને આખરી મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પણ ઓનલાઇન જ પૂર્ણ કરવામાં આવશે.
આ પોર્ટલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે દરખાસ્ત રજૂ થવાથી લઈને મૂલ્યાંકન અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીના પ્રત્યેક તબક્કાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવાની સુવિધા પૂરી પાડે છે. આ નવીન કાર્યપદ્ધતિથી તમામ સંબંધિત અધિકારીઓને માહિતગાર કરવા માટે સચિવાલય ખાતે એક વિશેષ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પારદર્શક અને ટેકનોલોજી આધારિત અભિગમથી વહીવટી પ્રક્રિયામાં કિંમતી સમયનો બચાવ થશે અને જનકલ્યાણકારી સરકારી યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન વધુ ચોકસાઈપૂર્વક થઈ શકશે.
