લખતર તાલુકાના જ્યોતિપરા ગામના રહેણાંક વિસ્તારમાં લાંબા સમયથી પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા યથાવત છે, જેના કારણે સ્થાનિક રહીશોને રોજિંદા જીવનમાં અસહ્ય પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં પાણીના નિકાલ માટેની યોગ્ય ગટર કે સ્ટોર્મ વોટર લાઇનના અભાવે આ દુર્દશા સર્જાઈ છે. ઘરોમાં વપરાતું દૂષિત પાણી તેમજ ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણી સીધા જ ખુલ્લા વિસ્તારોમાં અને રસ્તાઓ પર ફરી વળે છે, જેના કારણે આખો વિસ્તાર તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાય છે.
આ સમસ્યાના કારણે ગ્રામજનોના અવરજવરના મુખ્ય માર્ગો પણ ભારે પ્રભાવિત થયા છે. આ જળબંબાકારવાળી જગ્યા પાસેથી જ લીંબડ તરફ જતો જૂનો માર્ગ, ગામના સ્મશાન તરફ જતો મુખ્ય રસ્તો અને બાજુના ભાસ્કરપરા ગામને જોડતો મહત્વનો માર્ગ પસાર થાય છે. ગંદા પાણીની વચ્ચેથી પસાર થવું અશક્ય બનતા રાહદારીઓ સાથે-સાથે મોટરસાઇકલ અને ટ્રેક્ટર જેવા વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. કાદવ-કીચડ અને લપસણો રસ્તો હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાવાની પણ દહેશત રહે છે.
સતત ભરાઈ રહેલા આ ગંદા પાણીના સંગ્રહના કારણે ગામમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ ભયજનક રીતે વધી ગયો છે. ગંદકી અને મચ્છરોના ત્રાસને કારણે સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનો દ્વારા અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલની વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે, તો આ સમસ્યા વધુ ઉગ્ર બની શકે છે અને જનઆરોગ્ય જોખમાઈ શકે છે.
