સૌરાષ્ટ્રભરમાં પુષ્ટિમાર્ગીય આસ્થાના કેન્દ્ર સમાન જસદણ ખાતે આવેલી શ્રીનાથજી હવેલીમાં ગોવર્ધનનાથજીના ૩૮મા પાટોત્સવની ઉજવણી અત્યંત ભવ્યતાથી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે પૂજ્ય પાદ ગો. ૧૦૮ શ્રી ભાગવતકુમારજી મહોદયની પધરામણી થતા વૈષ્ણવ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હવેલી ખાતે ઉપસ્થિત શ્રદ્ધાળુ બહેનો દ્વારા ગુલાબના પુષ્પોની પાંદડીઓ વર્ષાવીને મહારાજશ્રીનું ભવ્ય અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ સંસ્થાના હોદ્દેદારો અને સેવાકીય કીર્તનિયાઓ દ્વારા પૂજ્યશ્રીને પુષ્પહાર તથા માલાજી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પાટોત્સવના આ પાવન પ્રસંગે પૂજ્ય મહારાજશ્રીએ પોતાના દિવ્ય વચનામૃત દ્વારા ઉપસ્થિત વૈષ્ણવોને માર્ગદર્શન આપતા ઠાકોરજીની નિઃસ્વાર્થ સેવા-ભક્તિ અને અન્યાશ્રયનો ત્યાગ કરીને સાચી સેવા ભાવના કેળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. ચંદુલાલ કાંતિલાલ પટેલ હસ્તે કિરીટભાઈ ચંદુલાલ પટેલ ગોવર્ધનનાથજી પાટોત્સવ ફંડના ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં વચનામૃત બાદ ક્રમશઃ નંદમહોત્સવ, દિવ્ય તિલક દર્શન અને ભવ્ય રાજભોગ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નંદમહોત્સવના સુંદર અવસરે કીર્તનિયાઓ દ્વારા પ્રભુભક્તિના પદોની રમઝટ બોલાવવામાં આવી હતી, જેના પર વૈષ્ણવો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ ભવ્ય ઉત્સવના અંતે મોટી સંખ્યામાં પધારેલા વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ પૂજ્ય મહારાજશ્રીના ચરણસ્પર્શનો લહાવો લઈને ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદનો પણહોંશભેર લાભ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે હવેલી ટ્રસ્ટના પ્રમુખ કિરીટભાઈ પટેલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ ધાર્મિક મહોત્સવે જસદણના વૈષ્ણવ સમાજમાં એક અનેરી ઉર્જા અને દિવ્ય ચેતનાનો સંચાર કર્યો હતો, જેની યાદગાર ક્ષણો ઉપસ્થિત દરેક ભક્તના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગઈ છે.
