સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં સોમવારે અચાનક જ હાહાકાર મચી ગયો જ્યારે ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના કાંતિભાઈ ભીખાભાઈ રાઠોડ અને તેમના પરિવારજનોએ જમીન બાબતે ન્યાય ન મળતા આત્મવિલોપન કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. આ પરિવારની દાવો છે કે કોંઢ ગામમાં આવેલી તેમની સર્વે નંબરની આશરે ૧૦ એકર જમીન પર અન્ય ઈસમોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો છે. આ મામલે અગાઉ અદાલત દ્વારા જમીનનો કબજો ખુલ્લો કરાવવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં જમીન ખાલી કરાવવામાં આવી નહોતી અને બીજી બાજુ કોર્ટે હાલની પરિસ્થિતિ જાળવી રાખવા માટે 'સ્ટે' આપી દેતા પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો.
પોતાની માલિકીની જમીન પરત મેળવવા માટે આ પીડિત પરિવારે અગાઉ કલેક્ટર અને પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી, છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. તંત્રની ઉદાસીનતાથી કંટાળીને આ પરિવારજનોએ બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરી જમીન ખાલી ન થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ પૂર્વ ચેતવણી મુજબ જ આજે કલેક્ટર કચેરી પહોંચેલા દંપતી અને પરિવારજનોએ પગલું ભરવાનો પ્રયાસ કરતા જ કચેરીમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને વહીવટી તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આત્મવિલોપન કરતા અટકાવીને તાત્કાલિક ધોરણે તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ દરમિયાન કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને સ્થાનિક આગેવાનો તથા પરિવારજનો વચ્ચે થોડીવાર માટે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી હતી. પોલીસે હાલ તમામ અટકાયત કરાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે અને ગેરકાયદે કબજો કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે મામલો શાંત પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.
