JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અડાલજમાં બ્રહ્મભવનના નિર્માણ માટે ઉદારદીલ દાતા ચિમનભાઈ અગ્રવાલે આપી ૫૦ કરોડની કિંમતી જમીન દાનમાં

અડાલજમાં બ્રહ્મભવનના નિર્માણ માટે ઉદારદીલ દાતા ચિમનભાઈ અગ્રવાલે આપી ૫૦ કરોડની કિંમતી જમીન દાનમાં
જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની આગેવાનીમાં અડાલજ ખાતે નિર્માણાધીન બ્રહ્મભવન માટે અગ્રણી દાતા ચિમનભાઈ અગ્રવાલે ૫૦ કરોડ રૂપિયાની મૂલ્યવાન જમીન અર્પણ કરી છે. આ ભવનના ભૂમિગ્રહણ સમારંભમાં કુલ દાનનો આંકડો સાડા બાર કરોડને વટાવી ગયો છે.

ગુજરાતભરમાં રહેતા બ્રાહ્મણ સમાજના યુવા દીકરા-દીકરીઓ માટે એક અત્યાધુનિક સુવિધાઉક્ત સંકુલ પૂરું પાડવાના ઉમદા આશયથી અડાલજ ખાતે 'બ્રહ્મભવન'નું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જાણીતા હાસ્યકલાકાર, લેખક અને લોકપ્રિય સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની પ્રેરણાદાયી આગેવાની હેઠળ આ ભવ્ય પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. આ ભગીરથ કાર્યમાં એક નવો અધ્યાય જોડતા જાણીતા જમીનદાર અને ઉદારદીલ દાતા ચિમનભાઈ અગ્રવાલે અડાલજ ખાતે આવેલી અંદાજે પચાસ કરોડ રૂપિયાની કિંમતની એન.એ. થયેલી પાંચ હજાર ચોરસ વાર જમીન બ્રહ્મભવનના નામે દાનમાં આપી છે, જે સમગ્ર સમાજ માટે ગર્વની વાત છે.

રાજ્યભરના વિવિધ શહેરોમાંથી આવેલ અલગ-અલગ ક્ષેત્રના અંદાજે સો જેટલા પ્રભાવશાળી બ્રહ્મ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ભવનના ફાઉન્ડર ટ્રસ્ટી અને પ્રથમ પ્રમુખ ડો. જગદીશ ત્રિવેદીએ ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે, દાતા દ્વારા મળેલી આ કિંમતી જમીન ઉપર આગામી સમયમાં આશરે પચાસ કરોડ રૂપિયાના જંગી ખર્ચે દસ માળનું અત્યંત આધુનિક અને સુસજ્જ બ્રહ્મભવન તૈયાર કરવામાં આવશે. આ ભવન માત્ર રહેઠાણ કે શિક્ષણ નહીં પરંતુ બ્રાહ્મણ યુવાનોના સર્વાંગી વિકાસ માટેનું એક ઉત્તમ કેન્દ્ર સાબિત થશે, જ્યાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભૂમિગ્રહણ સમારંભના આ શુભ અવસરે ઉપસ્થિત મહાનુભાવો અને દાતાઓ દ્વારા વધુ અઢી કરોડ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થતાં, અત્યાર સુધી જાહેર થયેલ કુલ દાનની રકમ સાડા બાર કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. આ ભવનના નિર્માણ માટે વિશેષ આયોજન કરીને માત્ર એક કરોડ, પચાસ લાખ અને પચીસ લાખ એમ ત્રણ નિશ્ચિત કેટેગરીમાં જ દાન સ્વીકારવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ જ પદ્ધતિથી પચાસ કરોડનું લક્ષ્યાંક સિદ્ધ કરવા બ્રહ્મ આગેવાનો સંપૂર્ણ કટિબદ્ધ છે. આ પ્રતિષ્ઠિત સમારોહમાં સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા પણ ખાસ ઉપસ્થિત રહીને આ સેવાકાર્યને બિરદાવ્યું હતું.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES