JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ભચાઉ પોલીસે કર્ણાટકના આદિનાથ જૈન મંદિરમાં થયેલી લાખોની ચોરીના આરોપીને ઝડપી પાડ્યો

ભચાઉ પોલીસે કર્ણાટકના આદિનાથ જૈન મંદિરમાં થયેલી લાખોની ચોરીના આરોપીને ઝડપી પાડ્યો
કર્ણાટકના હુંબલી ખાતે આવેલા આદિનાથ જૈન મંદિરમાંથી રૂપિયા ૧૧.૪૮ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના ફરાર આરોપીને ભચાઉ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કર્ણાટક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.

પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્ય બહારના ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દિશામાં માર્ગદર્શન મેળવીને ભચાઉ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોતાની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે કર્ણાટક રાજ્યના બેન્ડીગેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ૪ ઓક્ટોબરના રોજ મંદિર ચોરીનો મોટો ગુનો નોંધાયો છે.

બાતમીની વિગતો મુજબ, કર્ણાટકના હુંબલી સ્થિત હોસગબ્બુર વિસ્તારમાં આવેલા આદિનાથ જૈન મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને કુલ રૂપિયા ૧૧,૪૮,૨૦0 ની કિંમતના મૂલ્યવાન મુદ્દામાલની ચોરી કરી હતી. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી રવિકુમાર ચેતારામ ગરાસીયા (મૂળ રહે. માલદર, તા. માલનુ, જી. પાલી, રાજસ્થાન) હાલ ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બંધડી ગામ ખાતે ચામુંડા માતાજીના મંદિરના કોતરણી કામ માટે આવ્યો હતો અને અહીં શિવ મંદિરની ઓરડીમાં છુપાઈને રહી રહ્યો હતો.

પોલીસે બાતમીને ગંભીરતાથી લઈને તરત જ બાતમીવાળી જગ્યા પર દરોડો પાડીને આંતરરાજ્ય મંદિર ચોરી કરનાર ગેંગના આરોપી રવિકુમાર ગરાસીયાને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પ્રાથમિક પૂછપરછ અને ઓળખ બાદ ભચાઉ પોલીસે કાયદેસરની તમામ કાર્યવાહી પૂર્ણ કરી હતી અને આરોપીને આગળની તપાસ તથા કાયદાકીય પગલાં માટે કર્ણાટક રાજ્યની બેન્ડીગેરી પોલીસને સુપરિપોર્ટ કર્યો છે. ભચાઉ પોલીસની આ સરાહનીય કામગીરીથી આંતરરાજ્ય ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES