JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગની સક્રિયતા: પાંચ વર્ષમાં અટકાવ્યાં 43 બાળલગ્ન

રાજકોટ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગની સક્રિયતા: પાંચ વર્ષમાં અટકાવ્યાં 43 બાળલગ્ન
રાજકોટ જિલ્લામાં બાળલગ્ન જેવા સામાજિક કુરિવાજને ડામવા માટે તંત્ર સતત સક્રિય બન્યું છે. જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની સમયસૂચકતાથી છેલ્લા પાંચ વર્ષમાં કુલ 43 બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે.

ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા સમાજમાંથી બાળલગ્નની અંધારી બદીને હંમેશ માટે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે 'બાળલગ્ન-મુક્ત ભારત અભિયાન'નું વ્યાપક સ્તરે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગની કચેરી દ્વારા અત્યંત પ્રશંસનીય અને સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કચેરીને મળતી માહિતી અને ફરિયાદો પર ત્વરિત એક્શન લઈને અસંખ્ય સગીરાઓનું ભવિષ્ય બરબાદ થતું અટકાવવામાં આવ્યું છે.

કચેરી દ્વારા પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, વર્ષ 2022-23થી શરૂ થયેલી આ ઝુંબેશ હેઠળ ક્રમશઃ સફળતા મળતી ગઈ છે. વર્ષ 2022-23માં 11, વર્ષ 2023-24માં 15, વર્ષ 2024-25માં 6, વર્ષ 2025-26માં 8 અને વર્તમાન વર્ષ 2026-27માં અત્યાર સુધીમાં 3 બાળલગ્ન સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યાં છે. આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન તંત્રને મળેલી કેટલીક ફરિયાદોની ખરાઈ કરતા તે ખોટી હોવાનું પણ સામે આવ્યું હતું, જ્યારે કેટલાક કિસ્સાઓમાં માત્ર સગાઈ થઈ હોવાનું જણાઈ આવતા વાલીઓની વિશેષ કાઉન્સિલિંગ કરીને સમજણ આપવામાં આવી હતી.

માત્ર લગ્ન અટકાવવા પૂરતું સીમિત ન રહેતા, કાયદાકીય જોગવાઈઓનો કડક અમલ કરીને ગંભીર બેદરકારી દાખવનાર સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાર જેટલા કિસ્સાઓમાં વિધિવત ફોજદારી ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. તંત્રની આ સતત જાગરૂકતા અને કડક વલણને કારણે લોકમાનસમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના પરિણામે રાજકોટ જિલ્લો બાળલગ્ન મુક્ત બનવાની દિશામાં મજબૂત પગલાં ભરી રહ્યો છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES