દેશના લાખો મકાન ખરીદનારાઓ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ હાઉસીંગ પ્રોજેક્ટ અધૂરો રહ્યો હોય અને બેંકોએ નિયમો વિરુદ્ધ જઈને બિલ્ડરને મોટાપાયે લોનની રકમ ચૂકવી દીધી હોય, તો કોર્ટ કે ટ્રિબ્યુનલે ગ્રાહકો પર લોનની ચુકવણી માટે દબાણ કરવું જોઈએ નહીં. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની આગેવાની હેઠળની બેન્ચે ગુરુગ્રામના ક્રિષ્ના હાઉસીંગ પ્રોજેક્ટના ઘર ખરીદનારાઓની અરજી પર સુનાવણી કરતા આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું છે કે કોમર્શિયલ કોર્ટ, NCLT અથવા NCLAT ની એ પવિત્ર ફરજ છે કે તેઓ લોન આપનાર બેંક અને બેકાબૂ કે નાદાર બનેલા બિલ્ડર વચ્ચેના કાવતરા કે અનધિકૃત સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ કરે, અને એ સુનિશ્ચિત કરે કે ત્રિપક્ષીય કરાર (ટ્રિપાર્ટાઇટ એગ્રીમેન્ટ) મુજબ જ નાણાંનું વિતરણ થયું છે કે નહીં.
સામાન્ય રીતે ત્રિપક્ષીય કરાર મુજબ બેંકોએ બાંધકામના પ્રગતિ અહેવાલના આધારે જ સીધા બિલ્ડરને લોનના નાણાં ચૂકવવાના હોય છે, પરંતુ ઘણીવાર બિલ્ડર અને બેંક અધિકારીઓની મિલીભગતથી પ્રોજેક્ટના વાસ્તવિક સ્ટેજ કરતા ક્યાંય વધુ રકમ બિલ્ડરના ખાતામાં વહેતી કરી દેવામાં આવે છે. પ્રોજેક્ટ દાયકાઓ સુધી અધૂરા રહેવા છતાં, બેંકો ગ્રાહકોને ફ્લેટ મળ્યા વગર જ તેમની પાસેથી ઈએમઆઈ (EMI) અને ઘરનું ભાડું ચૂકવવાની સ્થિતિમાં મૂકીને રિકવરી સૂટ દાખલ કરતી હોય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી ખરીદદારોની કસૂરવાર હોવાની સ્પષ્ટ સાબિતી ન મળે, ત્યાં સુધી કોઈ પણ કોર્ટે ગ્રાહકો વિરુદ્ધ બળજબરીપૂર્વકની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવી નહીં અને ન તો કોઈ વચગાળાનો આદેશ જારી કરવો જોઈએ.
અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ આ જ બેન્ચે દેશભરના અનેક બિલ્ડરો અને બેંકો સામે સબવેન્શન સ્કીમનો દુરુપયોગ કરવા બદલ CBI તપાસના આદેશ આપ્યા હતા. જો કે, અદાલતે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે આવા કેસોમાં રાહત આપવાના કારણે સીધા સુપ્રીમ કોર્ટમાં અરજીઓનો ધોધ વૂટી રહ્યો છે, જેથી તમામ નવા કેસોનું રોજિંદુ સંચાલન કરવું મુશ્કેલ બની શકે છે. આ જ પ્રકારના બેંગ્લોરના અન્ય એક કેસમાં પણ કોર્ટે ચાર હજારથી વધુ ગ્રાહકોને 95 ટકા રકમ ચૂકવાઈ હોવા છતાં ફ્લેટ અધૂરા રહેવાના કારણે બેંકની રિકવરી કાર્યવાહી સામે રક્ષણ પૂરું પાડ્યું હતું અને યોગ્ય રાહત માટે હાઈકોર્ટમાં જવા જણાવ્યું હતું.
