JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

૫ વર્ષ પૂરા ન થયા હોય તો પણ ગ્રેચ્યુઈટી મેળવી શકાય: કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો

૫ વર્ષ પૂરા ન થયા હોય તો પણ ગ્રેચ્યુઈટી મેળવી શકાય: કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો
બેંગલુરુ મેટ્રોના પૂર્વ કર્મચારીને ૫ વર્ષમાં થોડા મહિના ઓછા હોવા છતાં કોર્ટે ૨૪૦ દિવસના નિયમ હેઠળ ૧.૭૫ લાખ રૂપિયાની ગ્રેચ્યુઈટી ૧૦% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

નોકરીના ૫ વર્ષ પૂરા ન થયા હોય તો શું કર્મચારી ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર નથી? આ સવાલના જવાબમાં કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જો કર્મચારીએ ૫ વર્ષ પૂરા ન કર્યા હોય, પરંતુ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ, ૧૯૭૨ ની શરતો પૂરી થતી હોય તો તે ગ્રેચ્યુઈટી મેળવવા માટે પાત્ર બને છે. આ કેસમાં બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન (BMRCL) ના એક પૂર્વ સહાયક ઇજનેરે ૪ વર્ષ, ૯ મહિના અને ૧૨ દિવસ સેવા આપીને રાજીનામું આપ્યું હતું. તેમનો કુલ કાર્યકાળ ૫ વર્ષથી થોડો ઓછો હોવાના કારણે મેટ્રો તંત્રએ તેમની ૧.૭૫ લાખ રૂપિયાની ગ્રેચ્યુઈટીની રકમ અટકાવી દીધી હતી, જેને કર્મચારીએ અદાલતમાં પડકારી હતી.

અદાલતે આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે ગ્રેચ્યુઈટી એ કોઈ એમ્પ્લોયરની દયા કે સ્વેચ્છાએ અપાતી ભેટ નથી, પરંતુ તે કાયદાકીય અધિકાર છે. માત્ર બે કૅલેન્ડર વર્ષ વચ્ચેનો સમય ગણીને કર્મચારીની પાત્રતા નક્કી ન થઈ શકે, પરંતુ 'પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ'ની કલમ ૪(૧) અને કલમ ૨(સી) તથા ૨A હેઠળ "સતત સેવા" (Continuous Service) ની વ્યાખ્યાને પણ ધ્યાનમાં લેવી પડે છે. કાયદાની જોગવાઈ મુજબ જો કોઈ કર્મચારીએ રાજીનામા પહેલાના ૧૨ મહિનામાં ઓછામાં ઓછા ૨૪૦ દિવસ કામ કર્યું હોય, તો તે સમયગાળાને સેવાના પૂરા વર્ષ તરીકે ગણી શકાય છે. આ કાનૂની જોગવાઈને આધારે હાઈકોર્ટે કર્મચારીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

આ ઐતિહાસિક ફેસલાથી દેશભરના એવા કર્મચારીઓને મોટી રાહત મળશે જેઓ થોડા મહિના કે દિવસો ઓછા હોવાને કારણે ગ્રેચ્યુઈટીના હકથી વંચિત રહી જતા હતા. કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુ મેટ્રોને આદેશ આપ્યો છે કે તેઓ પૂર્વ ઇજનેરને ૧.૭૫ લાખ રૂપિયાની રકમ ૧૮ મે, ૨૦૨૨ થી ૧૦ ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવે. કાનૂની નિષ્ણાતોના મતે, આ ચુકાદાથી એમ્પ્લોયરોએ હવે ગ્રેચ્યુઈટીની પાત્રતા નક્કી કરતી વખતે ફક્ત ૫ વર્ષના સમયગાળાને જોવાને બદલે કાયદાકીય માર્ગદર્શિકા અને ૨૪૦ દિવસના નિયમનું પાલન કરવું અનિવાર્ય બનશે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES