JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે બદલી નાખ્યો આખો કોચિંગ સ્ટાફ, મલિંગા સહિત ત્રણ મોટા નામ બહાર

Oct 29, 2026 | 17:40 | By JAMNAGAR MIRROR
IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે બદલી નાખ્યો આખો કોચિંગ સ્ટાફ, મલિંગા સહિત ત્રણ મોટા નામ બહાર
ચેન્નાઈ સુપર કિંગ્સની જેમ મુંબઈ ઈન્ડિયન્સે પણ મોટો ફેરફાર કરતા લસિથ મલિંગા, પારસ મ્હામ્બ્રે અને કાર્લ હોપકિન્સનને રિલીઝ કરી દીધા છે. હેડ કોચ મહેલા જયવર્ધનેના પદ છોડ્યા બાદ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર આ સત્તાવાર જાહેરાત કરી છે.

પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આગામી IPL 2027 સીઝન પહેલા પોતાના કોચિંગ સેટઅપમાં ધરખમ ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસો પહેલા જ મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ પદ છોડવાની જાહેરાત કરી હતી, જેમના સ્થાને હવે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડની નિમણૂક કરવામાં આવી છે. આ મોટા ફેરફારના ભાગરૂપે જ હવે ફ્રેન્ચાઇઝીએ બોલિંગ અને ફિલ્ડિંગ યુનિટ સાથે સંકળાયેલા ત્રણ દિગ્ગજ કોચ લસિથ મલિંગા, પારસ મ્હામ્બ્રે અને કાર્લ હોપકિન્સનને પણ ટીમમાંથી મુક્ત કરી દીધા છે. સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને આ ત્રણેય દિગ્ગજોના યોગદાન અને સમર્પણ બદલ ફ્રેન્ચાઇઝીએ હૃદયપૂર્વક આભાર માન્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસમાં લસિથ મલિંગાનું નામ સોનેરી અક્ષરે લખાયેલું છે, કારણ કે તેણે ખેલાડી તરીકે ટીમને 4 IPL ટાઇટલ અને 2011 ચેમ્પિયન્સ લીગ T20 જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને નિવૃત્તિ બાદ તે મેન્ટર તથા કોચ તરીકે ટીમ સાથે જોડાયેલો રહ્યો હતો. આ ઉપરાંત, પારસ મ્હામ્બ્રે પણ 2010 થી 2017 અને ત્યારબાદ 2024 માં ફરીથી જોડાઈને ટીમમાં પોતાનો અપાર અનુભવ આપ્યો હતો, જ્યારે કાર્લ હોપકિન્સન 2025 સીઝન પહેલા ટીમમાં જોડાઈને પોતાના આંતરરાષ્ટ્રીય અનુભવથી ખેલાડીઓની ફિલ્ડિંગ સ્કિલ સુધારવામાં મોટું યોગદાન આપ્યું હતું.

આ મોટા કોચિંગ બદલાવ બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ આગામી સીઝન માટે એકદમ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. ફ્રેન્ચાઇઝીએ સ્પષ્ટ કર્યું છે કે આ ત્રણેય કોચે ટીમ માટે જે યાદો અને સંબંધો બનાવ્યા છે તે હંમેશા MI પરિવારનો અભિન્ન ભાગ રહેશે. વન્સ MI, ઓલવેઝ MI ના નારા સાથે મુંબઈએ ત્રણેય દિગ્ગજોને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે, અને હવે ફેન્સની નજર નવા હેડ કોચ કિરોન પોલાર્ડની આગેવાનીમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે તેના પર રહેશે.

LATEST ARTICLES