ભારતીય રેલવે દ્વારા પ્રીમિયમ ઓવરનાઈટ સર્વિસનો વ્યાપ વધારવા માટે દિલ્હી-વારાણસી અને મુંબઈ-બેંગલુરુ રૂટ પર બે નવી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મુંબઈ-બેંગલુરુ સર્વિસ 1 નવેમ્બરે કર્નટટક રાજ્યોત્સવના અવસરે શરૂ થશે, જ્યારે દિલ્હી-વારાણસી ટ્રેન 31 ઓક્ટોબર આસપાસ શરૂ થાય તેવી સંભાવના છે. યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર રેલવે વી સોમન્ના દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે અને ભાજપ દ્વારા આ બંને ટ્રેનોને મહારાષ્ટ્ર અને કર્ણાટકના લોકો માટે દિવાળી ગિફ્ટ તરીકે ગણાવવામાં આવી રહી છે. જો કે, રેલવે દ્વારા હજુ આ ટ્રેનોના ટાઈમિંગ, સ્ટોપેજ અને ઓપરેટિંગ ડિટેલ્સને સત્તાવાર રીતે કન્ફર્મ કરવાની બાકી છે, તેથી મુસાફરોએ પ્રી-પ્લાન કરતા પહેલા ફાઇનલ શિડ્યુલ ચોક્કસ ચેક કરી લેવું જોઈએ.
આ નવી ટ્રેનો શરૂ થવાથી મુસાફરોનો કિંમતી સમય ઘણો બચી જશે. દિલ્હી-વારાણસી રૂટ પર રાજધાની એક્સપ્રેસને લગભગ 12 કલાકનો સમય લાગે છે, જેની સામે વંદે ભારત સ્લીપર આ જર્ની માત્ર 9.2 કલાકમાં પૂરી કરશે. ટ્રેન નં. 27421 વારાણસીથી રાત્રે 8.50 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 5.55 વાગ્યે ન્યૂ દિલ્હી પહોંચશે, જ્યારે પરત ફરતી ટ્રેન નં. 27422 ન્યૂ દિલ્હીથી રાત્રે 9.40 વાગ્યે ઉપડીને સવારે 6.45 વાગ્યે વારાણસી પહોંચશે. આ રૂટ પર પ્રયાગરાજ જંક્શન અને કાનપુર સેન્ટ્રલ સ્ટોપેજ પ્રસ્તાવિત છે. બીજી તરફ, મુંબઈ-બેંગલુરુ રૂટ પર સૌથી ઝડપી ટ્રેનને લાગતા આશરે 22 કલાકની સામે વંદે ભારત માત્ર 16 કલાકમાં જ 1,118 કિમીનું અંતર કાપશે. ટ્રેન નં. 27651 બેંગલુરુથી રાત્રે 10 વાગ્યે ઉપડીને બીજા દિવસે બપોરે 1.50 વાગ્યે મુંબઈના CSMT પહોંચશે અને મુંબઈથી રાત્રે 10.30 વાગ્યે ઉપડીને બીજા દિવસે બપોરે 2.50 વાગ્યે બેંગલુરુ પહોંચશે. આ ટ્રેન અનંતપુર, ગુટકલા, રાયચુર, કલબુરાગી, સોલાપુર અને કલ્યાણ જેવા સ્ટેશનો પર રોકાશે અને બંને સેવાઓ અઠવાડિયામાં 6 દિવસ દોડશે તેવી સંભાવના છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનના ભાડા અંગે લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી મુજબ, એસી 3-ટીયર માટે જીએસટી વગર પ્રતિ કિમી રૂપિયા 2.40 લેખે ભાડું ગણવામાં આવશે, એટલે કે 1000 કિમીની મુસાફરીનું ભાડું ટેક્સ પહેલા આશરે રૂપિયા 2,400 થશે અને ક્લાસ પ્રમાણે આ ભાડું પ્રતિ કિમી રૂપિયા 2.40 થી રૂપિયા 3.80 સુધીનું રહેશે. ખાસ વાત એ છે કે આ ટ્રેનોમાં આરએસી (RAC) ટિકિટની કોઈ સુવિધા નહીં મળે. સરકારે વર્ષ 2024-25માં મુસાફરોને રૂપિયા 60,239 કરોડની પેસેન્જર ફેર સબસિડી આપી છે, જેનો અર્થ એ થયો કે મુસાફરોને સરેરાશ 43 ટકા સુધીનું કન્સેસન મળે છે. ચીન, ફ્રાન્સ અને જાપાન જેવા દેશોમાં આવા જ ભાડા પ્રતિ કિમી રૂપિયા 7 થી રૂપિયા 20 સુધીના છે, તેની સરખામણીમાં ભારતમાં આ ટ્રેન મુસાફરો માટે ખૂબ જ કિફાયતી સાબિત થશે.
