કરવા ચોથનો તહેવાર હવે માત્ર ઉત્તર ભારત પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ દેશના અન્ય ભાગોમાં પણ તેની ધૂમ જોવા મળી રહી છે. ફેસ્ટિવલના 6 દિવસ અગાઉ ગોકવિકના નેટવર્ક પર ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર સેલ્સમાં ગત વર્ષ કરતાં 64 ટકાનો શાનદાર વધારો નોંધાયો છે. આ આંકડા સાબિત કરે છે કે સેન્ટ્રલ, વેસ્ટર્ન અને ઈસ્ટર્ન ઇન્ડિયામાં પણ તહેવારની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોમર્સ ગ્રોથ પ્લેટફોર્મના વિશ્લેષણ મુજબ, આ સમયગાળા દરમિયાન ઓર્ડર્સ ગત વર્ષના 2 મિલિયનથી વધીને સીધા 3.19 મિલિયન એટલે કે 60 ટકા વધી ગયા છે. નોર્થ ઇન્ડિયા હજુ પણ આ માર્કેટમાં સૌથી આગળ છે, પરંતુ અન્ય રીઝિયન્સમાં પણ ફેસ્ટિવલ પ્રોડક્ટ્સની ડિમાન્ડમાં મોટો ઉછાળો આવ્યો છે જે બ્રાન્ડ્સ માટે નવા રસ્તા ખોલે છે.
ડિમાન્ડની વાત કરીએ તો સેન્ટ્રલ ઇન્ડિયામાં ફેસ્ટિવલ-લેબલ પ્રોડક્ટ્સની ડિમાન્ડ 3.4 ગણી, વેસ્ટર્ન ઇન્ડિયામાં 2.7 ગણી અને ઈસ્ટર્ન તથા નોર્થ-ઈસ્ટર્ન ઇન્ડિયામાં 2.3 ગણી વધી ગઈ છે. સાઉથ ઇન્ડિયામાં લગભગ 3 ટકા ગ્રોથ નોંધાયો છે, જ્યારે નોર્થ ઇન્ડિયામાં ડિમાન્ડ ગત વર્ષ કરતા 3.9 ગણી થઈ ગઈ છે અને આ માર્કેટનો હિસ્સો 46 ટકાથી વધીને 62 ટકા પર પહોંચ્યો છે. શોપિંગ પેટર્નની વાત કરીએ તો નોર્થ ઇન્ડિયામાં પૂજા એસેસરીઝની ડિમાન્ડ સામાન્ય દિવસો કરતા 3.2 ગણી, મંગળસૂત્ર અને બ્રાઈડલ જ્વેલરીની ડિમાન્ડ 2.35 ગણી અને જ્વેલરી સેટ્સની ડિમાન્ડ 2.27 ગણી વધી ગઈ છે. આ ઉપરાંત ફેસ મેકઅપમાં 76 ટકા અને એથનિક વેરની ડિમાન્ડમાં 73 ટકાનો વધારો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને રેડ, મરૂન અને મિજેન્ટા જેવા ટ્રેડિશનલ કલર્સ લોકોની પહેલી પસંદ બન્યા છે.
ગોકવિકના કો-ફાઉન્ડર અને સીઈઓ ચિરાગ તનેજાના જણાવ્યા અનુસાર, કરવા ચોથ હવે માત્ર રીતિ-રિવાજ પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ ડ્રેસિંગ અને ગિફ્ટિંગ સાથે જોડાઈને એક મોટો કમર્શિયલ અવસર બની ગયો છે. ખાસ કરીને પેમેન્ટ બિહેવિયરમાં પણ ફરક જોવા મળ્યો છે અને કરવા ચોથની પ્રોડક્ટ્સ માટે પ્રિપેઈડ ખરીદી 60 ટકા રહી છે, જે સામાન્ય નેટવર્કના 54 ટકા કરતા વધારે છે. આ દર્શાવે છે કે ગ્રાહકો તહેવારની ખરીદી માટે અગાઉથી જ પેમેન્ટ કરવાનું વધુ પસંદ કરે છે. હાલમાં નેટવર્ક પર માત્ર 37 મર્ચન્ટ્સ જ આ તહેવાર માટે સ્પેશિયલ માર્કેટિંગ કરી રહ્યા છે, જેનો અર્થ એ થયો કે આગામી સમયમાં બ્રાન્ડ્સ માટે સ્પેસિફિક કલેક્શન્સ અને રીઝિયોનલ ટાર્ગેટિંગ દ્વારા બિઝનેસ વધારવાની વિશાળ તકો રહેલી છે.
