સુરતમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વંદે આયુકોન-3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સમારોહમાં એક ભેજાબાજ બોગસ ડોક્ટરે આયોજકોને ગેરમાર્ગે દોરીને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે સન્માન મેળવી લીધું હતું. આ ઘટના બાદ મંત્રી સાથેના આ નકલી તબીબના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે અને વિવાદ વકર્યો છે.
ચોંકાવનારી વાત તો એ છે કે સન્માનિત થયેલા આ કહેવાતા ડોક્ટરનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તેને અગાઉ નવસારી SOG દ્વારા નકલી તબીબ તરીકે ઝડપી પાડવામાં આવ્યો હતો. આવા શખ્સનું મંત્રીના હસ્તે સન્માન થતાં સાચા 57થી વધુ ડિગ્રીધારી આયુર્વેદિક તબીબોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ તમામ તબીબોએ સંયુક્ત સહી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આ મામલે દિલ્હી સ્થિત NCISMમાં સત્તાવાર લેખિત ફરિયાદ પણ દાખલ કરી છે.
આ સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ બદમાશે સંસ્થા અને લોકોને ગેરમાર્ગે દોરીને આ સન્માન મેળવ્યું હતું. મંત્રીએ કહ્યું કે જાહેર જીવનમાં અનેક લોકો મળતા હોવાથી દરેક વ્યક્તિથી પરિચિત હોવું શક્ય નથી, પરંતુ અમારી સાથે ફોટો પડાવવાથી કે મંચ પર રહેવાથી કોઈને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ નહીં મળે. તેમણે ખાતરી આપી છે કે સમાજ અને કાયદા વિરુદ્ધ કામ કરનાર આ બદમાશ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
