ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલા ઓકલેન્ડમાં ભારતીય ટીમની નેટ પ્રૅક્ટિસ ચાલી રહી છે, ત્યારે કેપ્ટન શુભમન ગિલે પોતાના અનોખા અંદાજથી ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી દીધી છે. ટ્રેનિંગ સેશન દરમિયાન ગિલના કપાળ પર એક નાનું ડિવાઇસ જોવા મળ્યું, જેને ટેમ્પલ નામથી ઓળખવામાં આવે છે. આ કોઈ સામાન્ય સ્માર્ટવોચ કે ફિટનેસ બેન્ડ નથી, પરંતુ એક ખાસ ન્યુરોટેક વેરિએબલ ડિવાઇસ છે જે મગજ સંબંધિત સિગ્નલો અને ફિટનેસ મેટ્રિક્સને ટ્રેક કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભલે ગિલે આ ડિવાઇસના ઉપયોગ અંગે કોઈ સત્તાવાર ખુલાસો ન કર્યો હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ ટેમ્પલ ડિવાઇસને જાણીતા ઉદ્યોગપતિ દીપિન્દર ગોયલની ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. સામાન્ય ફિટનેસ બેન્ડ હાર્ટ બીટ અને ઊંઘ પર નજર રાખે છે, જ્યારે આ ડિવાઇસ કપાળની બાજુમાં પહેરીને મગજના રક્ત પ્રવાહ, ઓક્સિજન સ્તર અને જ્ઞાનાત્મક કાર્યની માહિતી આપે છે. તે બ્રેઈનફ્લો ટેકનોલોજી અને ઓપ્ટિકલ સેન્સરની મદદથી કામ કરે છે. આ ડિવાઇસનો એન્ટ્રોપી સ્કોર શરીરના તણાવને માપે છે જે કસરત કે ઊંઘ પર આધાર રાખે છે. અગાઉ એપ્રિલમાં થોમસ અને ઉબેર કપ તેમજ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન સ્ટાર પ્લેયર પીવી સિંધુ પણ આ ડિવાઇસનો ઉપયોગ કરતી નજરે પડી હતી.
આ ટેકનોલોજીનો ઉપયોગ મુખ્યત્વે એથ્લીટ્સના માનસિક ભાર અને રિકવરી પર નજર રાખવા માટે થાય છે, જો કે આ કોઈ મેડિકલ ડાયગ્નોસિસ ટૂલ નથી પરંતુ વેલનેસ અને રિસર્ચ માટેનું સાધન છે. આધુનિક સમયમાં ખેલાડીઓ પોતાની ફિટનેસ અને પર્ફોમન્સ સુધારવા માટે નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. શુભમન ગિલ જેવા યુવા કેપ્ટન દ્વારા આવા ગેજેટ્સનો ઉપયોગ દર્શાવે છે કે હવે ક્રિકેટમાં ફિઝિકલ ફિટનેસની સાથે મેન્ટલ હેલ્થ અને બ્રેઈન એક્ટિવિટીને ટ્રેક કરવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
