JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફની ફજેતી, ઈરાન મુલાકાતને લઈને થયા કટાક્ષ

Oct 29, 2026 | 17:36 | By JAMNAGAR MIRROR
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફની ફજેતી, ઈરાન મુલાકાતને લઈને થયા કટાક્ષ
પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફને નેશનલ એસેમ્બલીમાં જેયુઆઈ-એફના ચીફ મૌલાના ફઝલુર રહેમાને જોરદાર ટોણો માર્યો હતો. ઈરાનમાં યોજાયેલી હાઈ-લેવલ સિક્યોરિટી મીટિંગમાં આસિફની ગેરહાજરી પર સવાલ ઉઠાવતા તેમણે જૂના નિવેદનનો ઉપયોગ કરીને કટાક્ષ કર્યો હતો.

પાકિસ્તાનની રાજનીતિમાં હાલમાં અજીબોગરીબ નજારો જોવા મળ્યો છે, જ્યાં નેશનલ એસેમ્બલીની અંદર જ ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફની ફજેતી થઈ છે. જિયેત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના ચીફ મૌલાના ફઝલુર રહેમાને તાજેતરમાં બુધવારે સંસદમાં સંબોધન કરતી વખતે ખ્વાજા આસિફ પર ભારે કટાક્ષ કર્યો હતો. ઈરાનમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક સુરક્ષા બેઠકમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસિમ મુનીર અને ઇન્ટિરિયર મિનિસ્ટર મોહસિન નાકવી હાજર રહ્યા હતા, પરંતુ ડિફેન્સ મિનિસ્ટર આ બેઠકમાંથી ગાયબ હતા જેને લઈને સવાલો ઉઠ્યા હતા.

મૌલાના ફઝલુર રહેમાને ગૃહમાં કટાક્ષ કરતા કહ્યું હતું કે ઈરાનમાં ડિફેન્સ પેક્ટ આકાર લઈ રહ્યો છે અને ત્યાં મહત્વની મીટિંગ ચાલી રહી છે, જ્યારે ડિફેન્સ મિનિસ્ટર અહીં પાકિસ્તાનમાં બેઠા છે. તેમણે મોહસિન નાકવીની હાજરી સામે પણ સવાલ કર્યો હતો કે શું ત્યાં ઇન્ટિરિયર મિનિસ્ટરની ખરેખર જરૂર હતી? આટલું જ નહીં, મૌલાના ફઝલે ભૂતકાળમાં પીટીઆઈને ચીડવવા માટે ખ્વાજા આસિફ દ્વારા જ વાપરવામાં આવેલો પ્રખ્યાત ડાયલોગ 'કોઈ શરમ હોતી હૈ, કોઈ હયા હોતી હૈ' બોલીને ખ્વાજા આસિફની મજાક ઉડાવી હતી, જેના કારણે ગૃહમાં જોરદાર હાસ્ય અને ડેસ્ક થાપવામાં આવ્યા હતા.

આ કટાક્ષના જવાબમાં ગુરુવારે નેશનલ એસેમ્બલીમાં બોલતા ખ્વાજા આસિફએ સ્પષ્ટતા કરી હતી કે તેહરાનમાં કોઈ ડિફેન્સ પેક્ટ પર વાતચીત નહોતી થઈ રહી અને આ ચર્ચાનો પાકિસ્તાનના ડિફેન્સ સાથે કોઈ સંબંધ નથી. તેમણે દાવો કર્યો હતો કે ગત વર્ષના ભારત સાથેના સૈન્ય સંઘર્ષ બાદ અસિમ મુનીર શાંતિ અને વાતચીત જાળવવાની ભૂમિકા ભજવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેહરાનની આ બેઠકમાં ઈરાન, સાઉદી અરેબિયા અને તુર્કીના વરિષ્ઠ અધિકારીઓની સાથે સાઉદી ડિફેન્સ મિનિસ્ટર પ્રિન્સ ખાલિદ બિન સલમાન અને તુર્કીના ઈન્ટેલિજન્સ ચીફ ઇબ્રાહિમ કાલિન પણ સામેલ થયા હતા, અને અંતે ચારેય દેશોએ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે સહયોગ જાળવી રાખવા સંમતિ દર્શાવી હતી.

LATEST ARTICLES