જામનગરના ભીડભાળા રસ્તાઓ અને ભારે અવરજવર વાળા વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે એસપી ડો. રવિમોહન સૈની દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા રણમલ તળાવ સહિતના મુખ્ય વિસ્તારોમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ અભિયાનમાં લાલપુરના એએસપી પ્રતિભા તેમજ સિટી ડીવાયએસપી જે.એમ.ઝાલાના વડપણ હેઠળ એલસીબીની ટીમ પણ સક્રિયપણે જોડાઈ હતી, જેના કારણે વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ મેગા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસે કાયદો તોડનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. ચેકિંગમાં નશાની હાલતમાં વાહન ચલાવતા 9 શખ્સો પકડાયા હતા, જ્યારે 11 શખ્સો પાસેથી ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા. આ ઉપરાંત, બેફિકરાઈથી વાહન ચલાવતા 10 શખ્સો, કાળી ફિલ્મ લગાડેલી 44 મોટરકાર, નંબર પ્લેટ વગર વાહન ચલાવતા 69 વ્યક્તિઓ અને 43 વાહનોમાંથી ફેન્સી નંબર પ્લેટ ઝડપાઈ હતી. વળી, સાઈલેન્સર મોડીફાઈડ કરનાર 5 વાહનચાલકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન કાયદો તોડનાર કુલ 14 વાહનોને ડીટેઈન કર્યા હતા અને સ્થળ પર જ કાર્યવાહી કરીને રૂ. 80400 નો રોકડ દંડ વસૂલ કર્યો હતો. પોલીસની આ અચાનક અને આક્રમક ડ્રાઈવના કારણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
