જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા નિલેશ ગીરધરભાઈ રાઠોડ નામના યુવાન મંગળવારે રાત્રે પોતાના ઘર પાસે આવેલી પાનની એક દુકાને તેમના ભાઈને બોલાવવા માટે ગયા હતા. નિલેશભાઈને લાંબા સમયથી એવી શંકા હતી કે તે દુકાનવાળો તેમના ભાઈને પોતાની દુકાને બેસાડીને કોઈ અવળા વ્યસન પર ચઢાવી રહ્યો છે. આ બાબતે અગાઉ પણ ચર્ચાઓ ચાલી રહી હતી અને તે જ વહેમ રાખીને નિલેશભાઈ દુકાનદાર સાથે વાત કરવા પહોંચ્યા હતા.
આ મામલે નિલેશભાઈએ દુકાન પર જઈને ઠપકો આપતા જ ત્યાં હાજર સાહિલ કૈલાશભાઈ ગોહિલ તથા મિત રાજુભાઈ ગોહિલ નામના બે શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને નિલેશભાઈ સાથે બોલાચાલી કરીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. વાત એટલી વધી ગઈ કે સાહિલે આવેશમાં આવીને રસ્તા પર પડેલી ઈંટ ઉપાડીને સીધી નિલેશભાઈના માથામાં ઝીંકી દીધી હતી, જ્યારે મિત રાજુભાઈએ હાથમાં ધોકો લઈને આડેધડ માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ લોહિયાળ હૂમલાની ઘટના બાદ ઘાયલ યુવાન દ્વારા તાત્કાલિક સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈને બંને હૂમલાખોરો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
