દિવાળી એટલે નવું વર્ષ અને નવી શરૂઆત, ત્યારે રોકાણકારો માટે પોતાના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોની સમીક્ષા કરવાનો આ સૌથી યોગ્ય સમય છે. આ દરમિયાન રોકાણકારોએ એ તપાસવું જોઈએ કે તેમના ફંડ્સ લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો અને રિસ્ક એપેટાઇટ સાથે મેચ થાય છે કે નહીં. પોર્ટફોલિયો ક્લીનઅપનો મતલબ એ નથી કે પ્રદર્શન ન કરતા દરેક ફંડમાંથી તાત્કાલિક બહાર નીકળી જવું. જો કોઈ ફંડ છેલ્લા 1 કે 2 વર્ષથી સતત પોતાના બેન્ચમાર્ક અને પીઅર્સ કરતા ખરાબ પ્રદર્શન કરતું હોય, તો તેના કારણો તપાસવા જરૂરી છે. એસેટ એલિક્સિરના ફાઉન્ડર શિવમ પાઠક અને આનંદ રાઠી વેલ્થ લિમિટેડના ડિરેક્ટર હૃષિકેશ પાલવેના જણાવ્યા અનુસાર, ફંડની નબળી કામગીરી અસ્થાયી માર્કેટ સાયકલને કારણે છે કે પછી તેની ઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં કોઈ ગંભીર ખામી છે, તે ચકાસવું અનિવાર્ય છે. જો ફંડ સતત નિષ્ફળ રહેતું હોય, તો વધુ સારા વિકલ્પ તરફ વળવું સમજદારી છે.
ઘણીવાર નવા ફંડ ઓફર્સ એટલે કે NFO રોકાણકારોને 10 રૂપિયા પ્રતિ યુનિટની સસ્તી NAV ની લાલચ આપીને આકર્ષિત કરતા હોય છે, પરંતુ શરૂઆતની આ કિંમત ફંડની વાસ્તવિક વેલ્યુ કે ભવિષ્યના રિટર્ન નક્કી કરતી નથી. જો કોઈ રોકાણકારે વગર વિચારે NFO માં રોકાણ કરી દીધું હોય અને તેનાથી પોર્ટફોલિયોમાં ઓવરલેપિંગ વધી ગયું હોય, તો તેમણે તાત્કાલિક સમીક્ષા કરવી જોઈએ. આ ઉપરાંત, માર્કેટના ચઢાવ-ઉતારને કારણે ઘણીવાર રોકાણકારો અમુક ચોક્કસ કેટેગરીમાં ઓવરવેઇટ થઈ જાય છે, જેનાથી રિસ્ક વધી જાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે જે કેટેગરીમાં પહેલેથી જ મોટું રોકાણ થઈ ગયું હોય તેમાં વધુ પૈસા નાખવાને બદલે અંડરપરફોર્મ કે અંડરરિપ્રેઝન્ટેડ કેટેગરીમાં ફ્રેશ એસઆઈપી કે લમ્પસમ રોકાણ કરવું જોઈએ. જો ઓવરવેઇટ ખૂબ જ વધારે હોય, તો ટેક્સ અને એક્ઝિટ લોડ ધ્યાનમાં રાખીને આંશિક રિડેમ્પ્શનનો વિકલ્પ પણ વિચારી શકાય.
જ્યારે કોઈ ફંડની NAV ઘટી જાય છે, ત્યારે રોકાણકારો પોતાના મૂળ રોકાણની રકમ પાછી મેળવવાની આશામાં ખોટ ખાવા છતાં ફંડને જકડી રાખે છે જે એક મોટી ભૂલ છે. માત્ર ખરીદીની કિંમત કે નુકસાનના ડરથી કોઈપણ સ્કીમને પોર્ટફોલિયોમાં જાળવી રાખવી યોગ્ય નથી. જો ફંડનું ફંડામેન્ટલ નબળું પડી ગયું હોય અથવા તેની રણનીતિમાં ખામી દેખાય, તો નુકસાનમાંથી રિકવરીની રાહ જોયા વગર સમયસર બહાર નીકળી જવું અને વધુ સારા વિકલ્પોમાં પૈસા રીએલોકેટ કરવા વધુ ડાહ્યું પગલું છે. રોકાણકારોએ હંમેશાં શોર્ટ-ટર્મ રિટર્ન કરતાં ફંડની લાંબા ગાળાની સુસંગતતા અને પોતાના રિસ્ક પ્રોફાઈલને પ્રાથમિકતા આપીને જ પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવો જોઈએ.
