ઓડિશા સરકારે રાજ્યના યુવાનો માટે મોટું પગલું ભરતા 1.11 લાખ કોલેજ વિદ્યાર્થીઓને તેમના એડમિશન ફી પેટે કુલ 69.23 કરોડ રૂપિયા પરત કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27ના એકેડેમિક સેશનથી 'જ્ઞાનદય - શિક્ષા રૂ સમૃદ્ધિ' (KG થી PG ફ્રી એજ્યુકેશન) યોજના અમલમાં મૂકવામાં આવી છે. જો કે, આ યોજના લાગુ થાય તે પહેલા જ એડમિશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓએ પોતપોતાની કોલેજોમાં ફી ભરી દીધી હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ રિફંડ આપવાનો મોટો નિર્ણય લીધો છે.
ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરીને અત્યાર સુધીમાં રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ, સરકારી કોલેજો અને સરકારી અનુદાન મેળવતી પ્રાઇવેટ કોલેજોમાં ડિગ્રી કોર્સમાં ભણતા 1.11 લાખ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં કુલ 69.23 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. આ ફ્રી એજ્યુકેશન સ્કીમ હેઠળ રેગ્યુલર અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં અભ્યાસ કરતા પાત્ર વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે, જેથી તેમનું શિક્ષણ આર્થિક બોજ વગર આગળ વધી શકે.
રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી સૂર્યવંશી સૂરાજે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બેંક એકાઉન્ટ ચેક કરી લે કે રિફંડના પૈસા જમા થયા છે કે નહીં. જો કોઈ વિદ્યાર્થીના એકાઉન્ટમાં પૈસા ન આવ્યા હોય, તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ટૂંક સમયમાં જ SAMS સ્ટુડન્ટ લોગિન પોર્ટલ પર એક સ્પેશિયલ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની બેંક ડિટેલ્સ સુધારીને રિફંડની રકમ મેળવી શકશે.
