JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

ભારતમાં ફરી ગર્જના કરશે ફોર્મ્યુલા 1 કાર્સ, સરકાર 2028 સુધીમાં રેસ પાછી લાવવાની તૈયારીમાં

Oct 29, 2026 | 12:17 | By JAMNAGAR MIRROR
ભારતમાં ફરી ગર્જના કરશે ફોર્મ્યુલા 1 કાર્સ, સરકાર 2028 સુધીમાં રેસ પાછી લાવવાની તૈયારીમાં
વર્ષ 2013 પછી બંધ થયેલી પ્રખ્યાત ફોર્મ્યુલા 1 રેસને ભારતમાં ફરી શરૂ કરવા માટે સરકારે કમર કસી છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જે જૂની સમસ્યાઓ ઉકેલીને 2028 સુધીમાં ભારતમાં F1 ની વાપસી માટેનો રસ્તો તૈયાર કરી રહી છે.

ભારતમાં મોટરસ્પોર્ટ્સના શોખીનો માટે એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2013માં સેબેસ્ટિયન વેટલે ગ્રેટર નોઈડા ખાતે આવેલા બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ પર શાનદાર વિજય મેળવીને પોતાની ચોથો વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી, જે ભારતની છેલ્લી ફોર્મ્યુલા 1 રેસ સાબિત થઈ હતી. 2011થી 2013 એમ માત્ર 3 જ સીઝન ચાલ્યા બાદ ટેક્સ વિવાદો અને અન્ય જટિલતાઓને કારણે આ રેસ ભારતમાંથી બંધ થઈ ગઈ હતી. હવે આ ઘટનાના 13 વર્ષ બાદ કેન્દ્ર સરકારે ફોર્મ્યુલા 1 ને ફરીથી પોતાના એજન્ડામાં સામેલ કર્યું છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ નીતિ આયોગના યુગલ કિશોર જોશીની આગેવાનીમાં એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવી છે, જેનો મુખ્ય હેતુ ભૂતકાળની ભૂલોમાંથી શીખીને 2028 સુધીમાં ભારતમાં F1 ની પુનઃ શરૂઆત કરવાની શક્યતાઓ તપાસવાનો છે.

આ અગાઉની રેસ બંધ થવા પાછળ માત્ર ઈવેન્ટનો ખર્ચ જ નહીં, પરંતુ ટેક્સના ગુંચવાયેલા પ્રશ્નો મુખ્ય કારણ હતા. ભારતીય કાયદાઓ મુજબ F1 ને રમતગમત ગણવી કે મનોરંજન વ્યવસાય, તે બાબતે લાંબો વિવાદ ચાલ્યો હતો અને સુપ્રીમ કોર્ટે તેને ટેક્સપાત્ર ઠેરવ્યો હતો. આ ઉપરાંત આયાત ડ્યુટી, કસ્ટમ ક્લિયરન્સ અને સાધનોની હેરફેર જેવી બાબતો પણ મોટી અડચણરૂપ બની હતી. જોકે, હવે સમય બદલાયો છે અને ભારતમાં F1 ના ફેન્સની સંખ્યા વર્ષ 2025ના અંત સુધીમાં વધીને 79 મિલિયન અને જૂન 2026 સુધીમાં 98 મિલિયને પહોંચી ગઈ છે. ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ ક્લબ્સ ઓફ ઈન્ડિયા (FMSCI) ના પ્રમુખ અરિંદમ ઘોષ અને અકબર ઈબ્રાહિમ જેવા દિગ્ગજોનું માનવું છે કે આજની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત છે અને સરકાર સિંગલ-વિન્ડો સિસ્ટમ તથા આયાત ડ્યુટીના પ્રશ્નો ઉકેલવા સક્રિય બની છે જેથી સ્પોન્સરશિપ કે ટેકનિકલ બાબતોમાં કોઈ મુશ્કેલી નહીં આવે.

બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટનું માળખું પહેલેથી જ તૈયાર છે અને FIA દ્વારા ટેકનિકલ તપાસ બાદ તેમાં જરૂરી અપગ્રેડેશન કરી શકાશે. ફોર્મ્યુલા 1 ની વાપસીથી દેશમાં ટુરિઝમ, રોજગારી અને અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે તેમજ ભારતનું વૈશ્વિક સ્તર પણ ઊંચું આવશે. સરકાર વર્લ્ડ રેલી ચેમ્પિયનશિપ (WRC) ને પણ પાછી લાવવાની પાઈપલાઈનમાં વિચારી રહી છે. હવે સૌથી મોટો પડકાર એ છે કે સરકાર માત્ર એક શો પૂરતી નહીં, પરંતુ લાંબા ગાળાની ટકાઉ અને વ્યાપારી રીતે સફળ વ્યવસ્થા ગોઠવે. જો યોગ્ય નિયમનકારી માળખું અને કોમર્શિયલ કરારો થઈ જાય, તો ભારતના કરોડો યુવા ફેન્સ ફરી એકવાર પોતાના હોમ ગ્રાઉન્ડ પર ફોર્મ્યુલા 1 ની રોમાંચક સ્પીડનો આનંદ માણી શકશે.

LATEST ARTICLES