તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તમિલગા વેટ્રી કઝહગમ (TVK) પાર્ટીના એક સ્થાનિક નેતાએ માનવતાને શરમમાં નાખતું કૃત્ય કર્યું છે. કોલેજ છૂટ્યા બાદ ભારે વરસાદ વચ્ચે ઘરે જવા માટે બસની રાહ જોઈ રહેલી એક યુવતીને લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડીને તેની સાથે જાતીય સતામણી અને છેડતી કરવાના આરોપમાં પોલીસે ટીવીકેના નેતાની ગુરુવારે ધરપકડ કરી છે. આ મામલે પોલીસ દ્વારા અત્યારે સઘન તપાસ ચાલી રહી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરકોઈલની એક પ્રાઈવેટ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીની અને તેની અન્ય એક ફ્રેન્ડ કોલેજ બાદ બસની રાહ જોઈ રહી હતી ત્યારે વરસાદ શરૂ થયો હતો. તે સમયે TVK પાર્ટીની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય એવા ક્રિસ્ટોફરે પોતાની કાર રોકીને બંનેને રસ્તામાં છોડી દેવાની ઓફર કરી હતી. આરોપીએ પહેલા બીજી ફ્રેન્ડને તેના ઘરે મૂલાચલ ખાતે ઉતારી હતી અને પછી પીડિતાને તેના ઘર તરફ લઈ જતી વખતે રસ્તામાં ગાડી ઊભી રાખીને અયોગ્ય હરકતો કરી હતી. વિદ્યાર્થીનીએ તેનો વિરોધ કરીને કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી તેને ઘર નજીક છોડીને ફરાર થઈ ગયો હતો.
ઘરે પહોંચ્યા બાદ ડરેલી દીકરીએ આખી હકીકત પોતાના માતા-પિતાને કહી હતી અને બાદમાં કોલેજ ફ્રેન્ડની મદદથી થુક્કાલાઈ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. ઘટના બાદથી આરોપી ક્રિસ્ટોફર ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આવા ગંભીર કિસ્સાઓમાં કાયદાકીય કડકાઈથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ આ કેસમાં તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
