JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન, ખેતીથી લઈને રેલવે ટ્રેક સુધી એઆઈ ટેકનોલોજીનો થશે ઉપયોગ

Oct 29, 2026 | 13:10 | By JAMNAGAR MIRROR
કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન, ખેતીથી લઈને રેલવે ટ્રેક સુધી એઆઈ ટેકનોલોજીનો થશે ઉપયોગ
સરકારે 62 મંત્રાલયોમાં એઆઈના 762 સંભવિત ઉપયોગો ઓળખી કાઢ્યા છે. ખેતીમાં જીવાત નિયંત્રણ, રેલવે ટ્રેક પર હાથીઓની સુરક્ષા, ટેક્સ ચોરી પકડવી અને સીએપીજીઆરએએમએસમાં ફરિયાદોનું નિવારણ લાવવા માટે આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ શરૂ થઈ ગયો છે.

માર્ચ 2024માં મંજૂર થયેલા ₹10,372 કરોડના બજેટ સાથે શરૂ થયેલા ઇન્ડિયાએઆઈ મિશન અંતર્ગત દેશે ડિજિટલ ક્ષેત્રે મોટું પગલું ભૂર્યું છે. આધાર, યુપીઆઈ અને જીએસટીએન જેવા મજબૂત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાયા પર ઊભેલી સરકાર હવે ખેતી, રેલવે, ટેક્સ, કસ્ટમ્સ અને આરોગ્ય જેવા 62 કેન્દ્રીય મંત્રાલયોમાં એઆઈના 762 જેટલા ઉપયોગો પર કામ કરી રહી છે. નાગરિકોની ફરિયાદો સરળતાથી સાંભળવા માટે 30 મે 2026ના રોજ 'સમાધાન દીદી' નામનું એઆઈ વૉઇસ ચેટબોટ પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જે ભાષિનીના સહયોગથી 22 ભાષાઓમાં કામ કરે છે. અગાઉ 2014માં જ્યાં વર્ષે આશરે 2 લાખ ફરિયાદો આવતી હતી, તે વધીને હવે 25 લાખથી વધુ થઈ ગઈ છે અને નિકાલનો સમય પણ 157 દિવસથી ઘટીને 15 દિવસ પર આવી ગયો છે.

એઆઈ ટેકનોલોજીએ જમીની સ્તરે અદ્ભુત પરિણામો આપવાનું શરૂ કર્યું છે. કૃષિ મંત્રાલય નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા 73 પાકો પર નજર રાખી રહી છે, જ્યાં જુલાઈ 2026 સુધીમાં 10,000થી વધુ એક્સટેન્શન વર્કર્સે આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. ખેડૂતો માટે બનાવવામાં આવેલા 'કિસાન ઇ-મિત્ર' ચેટબોટે ડિસેમ્બર 2025 સુધીમાં 93 લાખથી વધુ સવાલોના જવાબ આપ્યા છે. ચોમાસાની આગાહી માટેના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 13 રાજ્યોના 3.88 કરોડ ખેડૂતોને એસએમએસ મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ, રેલવે સુરક્ષા માટે ઉત્તર પૂર્વ ફ્રન્ટિયર રેલવેના 141 રૂટ કિલોમીટર વિસ્તારમાં એઆઈ બેઝ્ડ ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ લગાડવામાં આવી છે, જે ટ્રેક પાસે આવતા હાથીઓ વિશે પાઇલોટ્સ અને કંટ્રોલ રૂમને ચેતવણી આપે છે. ટેક્સ કલેક્શનમાં પણ આવકવેરા વિભાગના 'નજ' અભિયાનથી આશરે 1.25 કરોડ રિવિઝડ રિટર્ન ફાઇલ થયા છે અને સરકારને ₹9,493 કરોડનો વધારાનો ટેક્સ મળ્યો છે.

આ તમામ વિકાસ વચ્ચે સરકાર ટેકનોલોજીના પારદર્શક ઉપયોગ અને ઉત્તરદાયિત્વ પર પણ ભાર મૂકી રહી છે. કેન્દ્ર સરકારે નવેમ્બર 2025માં ઇન્ડિયા એઆઈ ગવર્નન્સ ગાઇડલાઇન્સ બહાર પાડી છે અને આરોગ્ય ક્ષેત્રે એઆઈ મોડેલ્સની ચોકસાઈ ચકાસવા માટે આઈઆઈટી કાાનપુર અને નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા 'બોધ' પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. કેન્સર કેર પાઇલોટ્સ માટે ₹50 લાખ સુધીની અને વ્યાપક સેવાઓ માટે ₹1 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે 50 મંત્રાલયોમાં એઆઈ ક્યુરેશન યુનિટ્સ સ્થાપવામાં આવ્યા છે, જ્યારે એઆઈકોશ પ્લેટફોર્મ પર ડિસેમ્બર 2025 સુધીમાં 9,500થી વધુ ડેટાસેટ્સ ઉપલબ્ધ છે. સરકારી સેવાઓમાં એઆઈના આગમનથી માત્ર કામગીરી ઝડપી બની નથી પરંતુ નાગરિકો માટે પારદર્શિતા અને ચોકસાઈ પણ સુનિશ્ચિત થઈ રહી છે.

LATEST ARTICLES