વર્લ્ડ વાઈડ જાણીતી ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને ફરી એકવાર પોતાના કર્મચારીઓને ઝટકો આપતા ડિવાઈસ અને સર્વિસીઝ ડિવિઝનમાં લગભગ 250 નોકરીઓનો કાપ મૂક્યો છે. આ છટણીનો સૌથી મોટો ફટકો સોફ્ટવેર ડેવલપમેન્ટ સાથે જોડાયેલા સ્ટાફને પડ્યો છે. કંપનીનું કહેવું છે કે પ્રોડક્ટ પ્રાયોરિટીઝ સાથે સ્ટાફને સિંક કરવા અને બિઝનેસ ઓપરેશન્સ વધુ એફિશિયન્ટ બનાવવાની દિશામાં આ એક મુશ્કેલ પરંતુ જરૂરી નિર્ણય લેવાયો છે. પ્રભાવિત કર્મચારીઓને 28 ઓક્ટોબરના રોજ સવારે જ ટેક્સ્ટ મેસેજ અને ઈમેલ દ્વારા આ અંગેની જાણ કરી દેવામાં આવી હતી, જેનાથી ટેક સેક્ટરમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કંપનીના આંતરિક રેકોર્ડ અને અગાઉની જાહેરાતો પર નજર કરીએ તો, ઓક્ટોબર 2025માં એમેઝોને 14,000 અને જાન્યુઆરી 2026માં બીજા 16,000 કર્મચારીઓને છૂટા કરવાની યોજના જાહેર કરી હતી. આ ઉપરાંત ઓક્ટોબર 2026ની શરૂઆતમાં તેના કોર રિટેલ ડિવિઝનમાંથી પણ લગભગ 1,000 નોકરીઓ ઘટાડવામાં આવી હતી. તાજેતરના 250 કર્મચારીઓ સહિત આ તમામ રાઉન્ડને ગણવામાં આવે તો એમેઝોનમાં અત્યાર સુધી 31,000થી વધુ કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી છે. એચઆર વાઈસ પ્રેસિડેન્ટ ચેરી રોબિન્સને કર્મચારીઓને મોકલેલા મેસેજમાં સ્પષ્ટ કર્યું હતું કે ઓર્ગેનાઈઝેશનલ સ્ટ્રક્ચરની ઊંડાણપૂર્વક સમીક્ષા કર્યા બાદ જ આ ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. કિન્ડલ ઈ-રીડર્સ અને અલેક્સા ડિવાઈસ બનાવતી આ કંપની હાલમાં જ નવા ગેજેટ્સ માર્કેટમાં લઈને આવી છે.
માત્ર એમેઝોન જ નહીં, પરંતુ સમગ્ર ટેકનોલોજી સેક્ટરમાં અત્યારે મોટો બદલાવ આવી રહ્યો છે જ્યાં કંપનીઓ કોસ્ટ કટિંગની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યાની કે એઆઈ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જંગી રોકાણ કરી રહી છે. સપ્ટેમ્બરમાં ઓરેકલે ડેટા સેન્ટર્સના વિસ્તરણ માટે સ્ટાફ કોસ્ટ ઘટાડી છે, જ્યારે નેટફ્લિક્સે પણ ઓક્ટોબરમાં લગભગ 1,000 નોકરીઓ ઓછી કરી છે. બીજી તરફ માઈક્રોસોફ્ટે પણ પોતાના ખર્ચને કાબૂમાં રાખવા માટે અંદાજે 60,000 કર્મચારીઓને વોલન્ટરી બાયઆઉટ ઓફર કર્યા છે. ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે પણ આ ટ્રેન્ડ ચિંતાજનક છે કારણ કે સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં અનિશ્ચિતતા વધી છે. આ સ્થિતિમાં એમ્પ્લોઈઝે માર્કેટની ડિમાન્ડ મુજબ પોતાની ટેક્નિકલ સ્કિલ્સ અપડેટ રાખવી અનિવાર્ય બની ગયું છે.
